ચેન્નઈના એક યુવાન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટે વર્ષ ૨૦૨૫માં થયેલા એક અકસ્માતમાં પોતાના જમણા હાથની બે આંગળીઓ ગુમાવી દીધી હતી. જીવનને ફરી પાટા પર લાવવા અને દૈનિક કામકાજમાં રાહત મેળવવા માટે તેણે ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ એક કંપનીનો સંપર્ક કર્યો હતો અને કસ્ટમાઈઝ્ડ આર્ટિફિશિયલ આંગળી (પ્રોસ્થેસિસ) માટે ૨૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. કંપનીએ ૪૫ દિવસની અંદર ચોક્કસ કલર, સાઈઝ અને થંબ ઈમ્પ્રેશન સાથેનું આર્ટિફિશિયલ પ્રોસ્થેસિસ પૂરું પાડવાનું વચન આપ્યું હતું. જોકે, કંપનીએ નિર્ધારિત સમયમ્યુદ વીતી જવા છતાં પ્રોસ્થેસિસ ડિલિવર ન કર્યું અને યુવકના ફોન કોલ્સનો જવાબ આપવાનું પણ ટાળ્યું હતું.
આખરે કંટાળીને યુવકે ૫ સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ જઈને જાતે પ્રોસ્થેસિસ મેળવવું પડ્યું હતું, પરંતુ તે તેની અપેક્ષાઓ પર બિલકુલ ખરું ન ઉતર્યું. તેને જે પ્રોસ્થેસિસ મળ્યું તે ખોટી સાઈઝ અને રંગનું હતું તેમજ તેમાં વચન મુજબનું થંબ ઈમ્પ્રેશન પણ નહોતું, જેના કારણે તે સંપૂર્ણપણે બિનઉપયોગી સાબિત થયું. આ ખામીયુક્ત પ્રોસ્થેસિસના કારણે યુવક પોતાની પરીક્ષાઓમાં પણ હાજર રહી શક્યો નહીં અને તેને શારીરિક તેમજ માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કંપનીએ પ્રોસ્થેસિસ બદલી આપવાનો કે રકમ પરત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેથી યુવકે કાનૂની નોટિસ મોકલ્યા બાદ પુડુકોટ્ટાઈ જિલ્લા ગ્રાહક આયોગના દરવાજા ખખડાવ્યા હતા.
આ મામલે ગ્રાહક આયોગના પ્રમુખ ટી. સેકર અને સભ્ય એસ. સુગુણાદેવીની પીઠે કંપનીની ગંભીર બેદરકારી અને અયોગ્ય વેપાર પદ્ધતિ (અનફેયર ટ્રેડ પ્રેક્ટિસ) સામે લાલ આંખ કરી હતી. સુનાવણી દરમિયાન કંપની તરફથી કોઈ હાજરી નહીં નોંધાવા છતાં, આયોગે ઉપલબ્ધ પુરાવાઓના આધારે ચુકાદો આપ્યો હતો કે કસ્ટમાઈઝ્ડ સેવામાં નિષ્ફળતા અને ગ્રાહકને માનસિક વેદના આપવી એ ગંભીર અપરાધ છે. આયોગે કંપનીને આદેશ આપ્યો છે કે તે પ્રોસ્થેસિસની મૂળ રકમ ૨૦,૦૦૦ રૂપિયા પરત કરે, સાથે જ સેવાઓમાં ખામી બદલ ૧૦,૦૦૦ રૂપિયા અને કાનૂની ખર્ચ પેટે અન્ય ૧૦,૦૦૦ રૂપિયા એમ કુલ ૪૦,૦૦૦ રૂપિયાનું વળતર પીડિત યુવકને ચૂકવે.
