JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિની ગેરકાયદેસર જાસૂસી કરવાના આરોપસર ત્રણ વરિષ્ઠ પોલીસ જનરલની ધરપકડ

Nov 04, 2026 | 14:43 | By JAMNAGAR MIRROR
ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિની ગેરકાયદેસર જાસૂસી કરવાના આરોપસર ત્રણ વરિષ્ઠ પોલીસ જનરલની ધરપકડ
ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો અને અનેક અગ્રણીઓની ગેરકાયદેસર રીતે ફોન ટેપ કરવાના ગંભીર કેસમાં પોલીસે ત્રણ ઉચ્ચ અધિકારીઓની અટકાયત કરી છે. કાયદાકીય પ્રક્રિયાને બાજુ પર મૂકીને કરવામાં આવેલા આ ડેટા હેકિંગ અને જાસૂસી પ્રકરણથી દેશના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.

ઇન્ડોનેશિયાની નેશનલ પોલીસના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના વડા અસેપ સાફરુદિને મંગળવારે મોડી સાંચે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો ઉપરાંત સરકારી અધિકારીઓ, રાજકીય નેતાઓ, મીડિયા હસ્તીઓ, સામાજિક અગ્રણીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓના ટેલિફોન નંબરો પર ગેરકાયદેસર અને બિનપ્રોસીજ્યુરલ રીતે જાસૂસી કરવામાં આવી હતી. આ ગંભીર કેસમાં હાલના પ્રેસિડેન્શિયલ ચીફ ઓફ સ્ટાફ જનરલ લિસ્ટ્યો સિગિટ પ્રબોવો, નેશનલ પોલીસની લીગલ ડિવિઝનના વડા ઇન્સ્પેક્ટર જનરલ આહરી સોંતા નાસૌશન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટના વરિષ્ઠ પ્રશિક્ષક ઇન્સ્પેક્ટર જનરલ ઇકો હાદી સાંતોસોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપી અધિકારીઓને નેશનલ પોલીસ મુખ્યાલયના અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે અને આ મામલે સઘન પૂછપરછ ચાલી રહી છે.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ અનધિકૃત વાયરટેપિંગ વર્ષ ૨૦૨૫ થી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું હતું, જે સમયગાળા દરમિયાન લિસ્ટ્યો નેશનલ પોલીસ વડા તરીકે ફરજ બજાવતા હતા. આરોપીઓએ વર્ષ ૨૦૧૦ના પોલીસ નિયમોની કોઈપણ મંજૂરી કે પ્રક્રિયાનું પાલન કર્યા વિના 'લોફુલ ઇન્ટરસેપ્શન મેનેજમેન્ટ સિસ્ટમ' (LIMS) માં વેરિફિકેશન વગર જ અનેક નંબરો ફીડ કરી દીધા હતા. એટલું જ નહીં, આ જાસૂસીના પુરાવાઓ નષ્ટ કરવા અને પોતાના પગેરું છુપાવવા માટે આરોપીઓએ LIMS કમ્પ્યુટર સિસ્ટમમાંથી ઇન્ટરસેપ્ટેડ કોમ્યુનિકેશનની ફાઇલો પણ જાતે જ ડીલીટ કરી દીધી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસકર્તાઓએ અત્યાર સુધીમાં ૧૦ સાક્ષીઓ અને ૩ નિષ્ણાતોના નિવેદનો નોંધ્યા છે, તેમજ પુરાવા તરીકે ૧૧ મોબાઈલ ફોન, એક આઈપેડ અને ચાર ફ્લેશ ડ્રાઈવ જપ્ત કરી છે.

દેશના કાયદો, માનવાધિકાર, ઇમિગ્રેશન અને કરેક્શન્સ વિભાગના સંકલન મંત્રી યુસ્રિલ ઇહઝા મહેન્દ્રએ જણાવ્યું હતું કે ભલે આ કેસમાં દેશદ્રોહના કોઈ પુરાવા મળ્યા ન હોય, પરંતુ રાષ્ટ્રપતિ અને મંત્રીઓની સુરક્ષા સામે જોખમ ઊભું કરનાર આ મામલો અત્યંત સંવેદનશીલ છે. સરકારના મતે કોઈપણ રાષ્ટ્ર માટે આ પ્રકારની બેદરકારી સહન કરી શકાય તેવી નથી. આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણેય અધિકારીઓ સામે નવા ક્રિમિનલ કોડની કલમ ૨૫૮ અને ૩૩૨ તેમજ ઇલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન એન્ડ ટ્રાન્ઝેક્શન્સ લૉની કલમ ૩૨ હેઠળ કડક ગુનાહિત કેસ નોંધવામાં આવ્યા છે. જો આ તમામ આરોપો સાબિત થશે તો આરોપીઓને દોષિતોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, હાલ સત્તાવાળાઓ દ્વારા આ જાસૂસી પાછળનો મુખ્ય હેતુ શું હતો તે શોધવા માટે તપાસ ચાલુ છે.

LATEST ARTICLES