JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

તમિલનાડુમાં સિનેમારસિકો માટે ખુશખબર: ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થશે સવારે ૬ વાગ્યાના સ્પેશિયલ શો

Nov 04, 2026 | 14:36 | By JAMNAGAR MIRROR
તમિલનાડુમાં સિનેમારસિકો માટે ખુશખબર: ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થશે સવારે ૬ વાગ્યાના સ્પેશિયલ શો
તમિલનાડુ સરકાર દ્વારા સિનેમા નિયમોમાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી નવી તમિલ ફિલ્મોના રિલીઝના પ્રથમ અઠવાડિયામાં હવે દિવસ દરમિયાન છ શો યોજી શકાશે અને દર્શકો વહેલી સવારે ૬ વાગ્યે સિનેમાઘરોમાં ફિલ્મ માણી શકશે.

તમિલનાડુના ફિલ્મ રસિકો માટે લાંબી રાહનો અંત આવ્યો છે કારણ કે રાજ્ય સરકારે તાજેતરમાં તમિલનાડુ સિનેમા (રેગ્યુલેશન) નિયમો, ૧૯૫૭ માં સત્તાવાર સુધારો કર્યો છે. આ નવા સંશોધન મુજબ, હવે નવી રિલીઝ થતી તમિલ ફિલ્મો માટે રિલીઝના પહેલા અઠવાડિયા દરમિયાન રોજ કુલ છ શો યોજવાની મંજૂરી આપવામાં આવી છે. આ ખાસ છૂટછાટ માત્ર વીકડેઝ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક તહેવારો, જાહેર રજાઓ, તેમજ શનિવાર અને રવિવારના દિવસે પણ સિનેમાઘરો સવારે ૬ વાગ્યાથી લઈને રાત્રે ૨:૩૦ વાગ્યા સુધી કુલ છ શો ચલાવી શકશે. અગાઉ, નિર્માતાઓએ દરેક ફિલ્મ માટે પાંચમા સ્પેશિયલ શો માટે અલગથી સરકારી મંજૂરી મેળવવી પડતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા સરળ બનતા થિયેટર માલિકો અને દર્શકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

સરકારનો આ નિર્ણય તમિલ ફિલ્મ એક્ટિવ પ્રોડ્યુસર્સ એસોસિએશન, તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ અને તમિલનાડુ થિયેટર એન્ડ મલ્ટિપ્લેક્સ ઓનર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સમક્ષ રજૂ કરાયેલી માંગણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અગાઉ, વર્ષ ૨૦૨૩માં તત્કાલીન ડીએમકે સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાન પરિસ્થિતિને કારણે વહેલી સવારના શો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સવારના શો બંધ કરીને માત્ર વિશેષ ૯ વાગ્યાના શોની જ મંજૂરી અપાતી હતી. જોકે, હવે આ જૂના નિર્ણયને ઉલટાવીને નવી સરકારે સિનેમા જગતને મોટી રાહત આપી છે, જે તમિલ ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.

આ ઐતિહાસિક નિર્ણયનું સ્વાગત કરતા તમિલનાડુ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશને ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે અગાઉ અન્ય રાજ્યો અને વિદેશી બજારોમાં સવારે ૬ વાગ્યે ફિલ્મો રિલીઝ થતી હોવાથી તમિલનાડુના દર્શકો સુધી પહોંચતા પહેલા જ સોશિયલ મીડિયા પર સમીક્ષાઓ આવી જતી હતી. આના કારણે સ્થાનિક સ્તરે નિર્માતાઓને સ્પર્ધામાં મોટું નુકસાન વેઠવું પડતું હતું અને સમાન તક મળતી ન હતી. હવે રાજ્યમાં પણ વૈશ્વિક સ્તરની જેમ એક જ સમયે ફિલ્મો રિલીઝ થઈ શકશે, જેનાથી સમીક્ષાઓ અને પબ્લિક રિવ્યુનું સંતુલન જળવાઈ રહેશે. ઉદ્યોગના દિગ્ગજોનું માનવું છે કે આ નિર્ણયથી બોક્સ ઓફિસ કલેક્શનમાં પણ મોટો ઉછાળો આવશે અને સિનેમાઘરોમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે.

LATEST ARTICLES