બુધવારની વહેલી સવારે આશરે અઢી વાગ્યે તામિલનાડુ અને કેરળની અંતરરાજ્ય સરહદ નજીક આવેલા તેનકાસી જિલ્લાના સેંગોટાઈ વિસ્તારમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. ભગવતીપુરમ અને આર્યનકાવુ રેલવે સ્ટેશનો વચ્ચે પલક્કાડથી તુતીકોરિન તરફ જતી પલારુવી પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી, તે દરમિયાન અચાનક એક વાઘ રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો. અંધકાર અને ટ્રેનની ઝડપને કારણે લોકો પાયલટને સમયસર બ્રેક લગાવવાનો મોકો મળ્યો નહોતો, જેના પરિણામે ટ્રેનની ભારે ટક્કરથી વાઘ ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું કમનસીબ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વન વિભાગના અધિકારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનો તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમે મૃત વાઘના શવને કબજે કરીને નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે વન્યજીવ સંરક્ષણ અને જંગલ વિસ્તારોમાંથી પસાર થતા રેલવે માર્ગો પર વન્યજીવોની સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
આંતરરાજ્ય સરહદ પર આવેલા આ જંગલી વિસ્તારમાં વન્યજીવોની અવરજવર હંમેશાં રહેતી હોય છે, ત્યારે આ અકસ્માત બાદ વન વિભાગ અને રેલવે પ્રશાસન સંયુક્ત રીતે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. ટ્રેક પર વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યમાં આવા દુર્ઘટનાગ્રસ્ત બનાવો અટકાવવા માટે વિશેષ પગલાં લેવા અંગે પણ વિચારણા ચાલી રહી છે, જેથી મૂગા જીવોના ભોગ લેવાતા અટકાવી શકાય.
