ભારતના બદલાતા જનસંખ્યાકીય પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે બુધવારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. કોર્ટે જણાવ્યું કે બે કરતાં વધુ સંતાનો ધરાવતી વ્યક્તિઓને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવતા કાયદાઓ વર્તમાન સમયમાં હવે પ્રાસંગિક રહ્યા નથી. અદાલતે મહારાષ્ટ્રની કાકોડા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવની અરજી પર સુનાવણી કરતા તેમનું ગેરલાયકાતનું આદેશ રદ કર્યું છે. વર્ષ ૨૦૦૩ના જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસના ચૂકાદા પર પુનર્વિચાર કરવા માટે જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે આ મામલો મોટી બેન્ચ તરફ રિફર કર્યો છે.
કોર્ટે નોંધ્યું હતું કે વર્ષ ૨૦૦૩માં ભારતનો કુલ પ્રજનન દર (TFR) ત્રણ હતો, જે હવે ઘટીને ૧.૯ પર પહોંચી ગયો છે. વસ્તીને સ્થિર રાખવા માટે ૨.૧ નો પ્રજનન દર રિપ્લેસમેન્ટ રેટ તરીકે જરૂરી માનવામાં આવે છે, પરંતુ આ દર ઘટી જવાથી ભવિષ્યમાં દેશની વસ્તી પર ગંભીર અસર પડી શકે છે. વૃદ્ધોની વસ્તી વધશે અને કામ કરવાની ઉંમરના લોકોનું પ્રમાણ ઘટશે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અદાલતે કહ્યું કે વસ્તી વૃદ્ધિને અંકુશમાં લેવાના હેતુથી ઘડવામાં આવેલા કાયદાઓની નવેસરથી સમીક્ષા કરવી અનિવાર્ય બની ગઈ છે.
આવા કાયદાઓ નાગરિકોને તેમના પ્રજનન સ્વાતંત્ર્ય અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા વચ્ચે અસ્વીકાર્ય પસંદગી કરવા મજબૂર કરે છે, જે સંવિધાનના અનુચ્છેદ ૨૧ હેઠળના અધિકારોનું ઉલ્લંઘન હોઈ શકે છે. એમિકસ ક્યુરી રુક્મિણી બોબડે દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, દેશના સાત રાજ્યોએ આ નિયમ નાબૂદ કર્યો છે, જ્યારે પંદર રાજ્યોમાં આ નીતિ અસ્તિત્વમાં જ નથી. હાલમાં અસમ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તરાખંડમાં જ આ પ્રકારના કાયદાકીય પ્રાવધાનો અમલમાં છે.
