તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 'મિશન ફોર એલિમિનેશન ઓફ પોવર્ટી ઇન મ્યુનિસિપલ એરિયાઝ' (MEPMA) ના એડિશનલ ડિરેક્ટર યાદગિરિ રાવ નલ્લાગુન્ટલા સામે આવક કરતા વધુ સંપત્તિ વસાવા બદલ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. એસીબીની ટીમે આ અધિકારીના નિવાસસ્થાન, કાર્યાલય, બેંક લોકર તેમજ તેમના સંબંધીઓ અને સહયોગીઓ સાથે જોડાયેલા કુલ ૧૦ અલગ-અલગ સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા, જેમાં મોટા પાયે બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દરોડા દરમિયાન તપાસકર્તાઓને હૈદરાબાદ અને સૂર્યાપેટમાં ૧૨ ખુલ્લા પ્લોટ, ઉપ્પલ વિસ્તારમાં બે રહેણાંક ફ્લેટ અને એક મકાન સહિત અનેક સ્થાવર મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત સૂર્યાપેટમાં એક મકાન અને ઉપ્પલ ખાતે એક કોમર્શિયલ દુકાન પણ આ યાદીમાં સામેલ છે. એસીબીના સત્તાવાર આંકડા મુજબ આ તમામ સ્થાવર મિલકતોની કિંમત કરોડોમાં થાય છે. અધિકારીઓની પ્રાથમિક ગણતરી મુજબ માત્ર સરકારી ચોપડે નોંધાયેલ કિંમત જ ૪.૭૫ કરોડ રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે બજાર કિંમત આના કરતા અનેકગણી વધુ એટલે કે અંદાજે 100 કરોડ રૂપિયા આસપાસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાવર મિલકતો ઉપરાંત એસીબીની ટીમે મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના અને કિંમતી ચીજવસ્તુઓ પણ જપ્ત કરી છે. જેમાં અંદાજે ૧,૭૯૨ ગ્રામ સોનું અને ૩ કિલોગ્રામ ચાંદીના ઘરેણાંનો સમાવેશ થાય છે. આ સાથે જ ટોયોટા ફોર્ચ્યુનર સહિત બે લક્ઝરી ચાર-ચકીય વાહનો, ત્રણ બે-ચકીય વાહનો, મોંઘા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘરવખરીનો સામાન અને બેંક ખાતાઓમાં રહેલી રકમ પણ કબજે કરવામાં આવી છે. એસીબી દ્વારા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપી અધિકારીને હૈદરાબાદની સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
