૩૯ વર્ષીય પિયા ડાંડિયાએ રિપબ્લિકન બિઝનેસમેન કેસી અસ્કરને પરાજય આપીને ફ્લોરિડાની ચૂંટણીમાં ૫૧.૯ ટકા મતો સાથે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. પામ બીચ કાઉન્ટીમાં જન્મીને ઉછરેલા પિયાના માતા-પિતા ૧૯૮૦ના દાયકામાં જયપુરથી અમેરિકા સ્થાયી થયા હતા. તેમના પિતા ડૉ. રોહિત ડાંડિયાએ તબીબી ક્ષેત્રે સેવા આપી હતી, જ્યારે માતાએ મોન્ટેસરી સ્કૂલની સ્થાપના કરી હતી. બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાયેલા રહેલા પિયાએ તેમના બાળપણના ભારત પ્રવાસોને પોતાના વ્યક્તિત્વ ઘડતર અને વૈશ્વિક અસમાનતાને સમજવામાં અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. હાલ તેઓ પોતાના પતિ નવનીત અલાગ અને પુત્ર સાહિબ સાથે પામ બીચ ગાર્ડન્સમાં નિવાસ કરે છે.
શિક્ષણ અને વ્યાવસાયિક કારકિર્દીની વાત કરીએ તો, પિયાએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સરકારી બાબતોનો અભ્યાસ કર્યો છે અને બોસ્ટન યુનિવર્સિટીમાંથી શિક્ષણમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. વિદ્યાર્થી અવસ્થામાં જ તેમણે દિલ્હીની ઝૂંપડપટ્ટીઓમાં બાળકોને અંગ્રેજી શીખવીને સામાજિક વાસ્તવિકતાઓનો અનુભવ કર્યો હતો. માત્ર ૨૮ વર્ષની યુવા વયે તેઓ હાર્લેમની ડેમોક્રેસી પ્રેપ એન્ડ્યુરન્સ હાઇ સ્કૂલના સ્થાપક પ્રિન્સિપાલ બન્યા હતા, જ્યાં તેમણે વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે ૨૦૨૦માં વ્હાઇટ હાઉસ ફેલો તરીકે સેવા આપી હતી અને એપલ કંપનીમાં પબ્લિક-સેક્ટર પહેલનું નેતૃત્વ પણ કર્યું હતું.
તેમની ચૂંટણી પ્રચાર શૈલી મોંઘવારી, સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ, ભ્રષ્ટાચાર અને ગન સેફ્ટી જેવા જનહિતના મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. દક્ષિણ ફ્લોરિડાના મતદારો વોશિંગ્ટનની રાજનીતિથી ત્રાસી ગયા હોવાનું જણાવી તેમણે સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ અત્યંત ખર્ચાળ અને રસાકસી ભરેલી ચૂંટણીમાં ભારે ફંડિંગ અને રાજકીય મુશ્કેલીઓ છતાં તેમણે ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટ ફંડ અને અન્ય અગ્રણી સંસ્થાઓના સમર્થન સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સમુદાયનું ગૌરવ વધાર્યું છે.
