JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ડેમોક્રેટ્ઝ ઝેવિયર બેસેરાની જીત સાથે કેલિફોર્નિયામાં રચાયો નવો ઇતિહાસ

Nov 04, 2026 | 14:18 | By JAMNAGAR MIRROR
ડેમોક્રેટ્ઝ ઝેવિયર બેસેરાની જીત સાથે કેલિફોર્નિયામાં રચાયો નવો ઇતિહાસ
ડેમોક્રેટિક નેતા ઝેવિયર બેસેરાએ કેલિફોર્નિયાના આગામી ગવર્નર તરીકે ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે તેઓ ૧૯મી સદીના અંત પછી રાજ્યના પ્રથમ લટિનો ગવર્નર બન્યા છે અને વ્હાઇટ હાઉસ સાથેના રાજકીય સંઘર્ષને આગળ ધપાવશે.

અમેરિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા કેલિફોર્નિયા રાજ્યમાં ગવર્નર પદની ચૂંટણી માટેના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના અનુભવી નેતા ઝેવિયર બેસેરાએ રિપબ્લિકન ઉમેદવાર સ્ટીવ હિલ્ટનને હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. ગવર્નર ગેવિન ન્યૂસમના સ્થાને પદ સંભાળનાર બેસેરા અગાઉ રાજ્યના એટર્ની જનરલ અને જો બાઇડેન વહીવટીતંત્રમાં આરોગ્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. ૩૫ વર્ષથી વધુનો જાહેરજીવનનો બહોળો અનુભવ ધરાવતા બેસેરાએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની મજબૂત છબી રજૂ કરી હતી અને કેલિફોર્નિયાના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.

આ ચૂંટણી પરિણામોથી આગામી સમયમાં કેલિફોર્નિયા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ વચ્ચેના રાજકીય સંબંધો વધુ તંગ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. બેસેરાએ પોતાના વિરોધી સ્ટીવ હિલ્ટનને ટ્રમ્પની નીતિઓ સાથે જોડીને ઇમિગ્રેશન અને વોટિંગ રાઇટ્સ જેવા મુદ્દાઓ પર આક્રમક વલણ અપનાવ્યું હતું. સેક્રામેન્ટો પાસે એક વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો કોઈ કેલિફોર્નિયા સામે આંખ ઉઠાવશે, તો તેને આકરી લડાઈનો સામનો કરવો પડશે. બીજી તરફ, રિપબ્લિકન ઉમેદવાર હિલ્ટને રાજ્યમાં મોંઘવારી અને બેઘરતાના મુદ્દે એક-પક્ષીય શાસન પર પ્રહારો કર્યા હતા, પરંતુ તેઓ ડેમોક્રેટ્ઝના ૧૬ વર્ષના વિજય રથને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.

શરૂઆતના મહિનાઓમાં ઝેવિયર બેસેરા રેસમાં આગળ ગણાતા નહોતા અને તેમની ઉમેદવારીને લઈને અનેક શંકા-કુશંકાઓ હતી, પરંતુ અન્ય અગ્રણી ડેમોક્રેટિક નેતાઓના મેદાનમાંથી ખસી જવાથી પક્ષ અને મતદારોને બેસેરાના રૂપમાં એક વિશ્વસનીય વિકલ્પ મળી ગયો. મેક્સિકન મૂળના પરિવારમાંન્ જન્મેલા બેસેરાએ સ્પેનિશ ભાષામાં પ્રચાર કરીને લટિનો મતદારોને આકર્ષવામાં મોટી સફળતા મેળવી હતી. ગવર્નર તરીકે તેમની આ જીત માત્ર ડેમોક્રેટિક પાર્ટી માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના વિવિધતાસભર રાજકારણમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે.

LATEST ARTICLES