દિલ્હીની બગડતી હવા અને પ્રદૂષણની સમસ્યાએ રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એકવાર ગરમાગરમ રાજકીય ચર્ચા જગાવી છે. ચંડીગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આમ આદમી પાર્ટીના નેતા બલતેજ પન્નુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડાંગરની કાપણીની મોસમ બરાબર શરૂ પણ થઈ નથી, ત્યાં જ ભાજપના નેતાઓએ દિલ્હીના પ્રદૂષણ માટે પંજાબના ખેડૂતોને દોષી ઠેરવવાનું શરૂ કરી દીધું છે. તેમણે ભાજપના નેતા મજિંદર સિંહ સિરસાના નિવેદનો પર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે ભાજપ દિલ્હીની આંતરિક પ્રદૂષણ સમસ્યાને છુપાવવા માટે માત્ર પરાળ સળગાવવાના મુદ્દે ખોટી રાજકીય વાર્તા બનાવી રહી છે. પન્નુના મતે, દિલ્હીનું પ્રદૂષણ એક અત્યંત જટિલ સમસ્યા છે અને તેને માત્ર પંજાબના ખેડૂતોના માથે મઢી દેવું તદ્દન અન્યાયી અને પાયાવિહોણું છે.
આપ નેતાએ ભગવંત માન સરકારના બચાવમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પરાળ સળગાવવાની પ્રથાને અંકુશમાં લેવા અને પાકના અવશેષોના વૈજ્ઞાનિક સંચાલનને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પગલાં લીધા છે. આ સિઝનમાં ખેડૂતોને મદદરૂપ બનવા માટે ૨૧,૦00થી વધુ નવી મશીનરી ખરીદવામાં આવી છે. ખેડૂતો હવે પરાળ સળગાવવાથી થતા નુકસાન અંગે જાગૃત થઈ રહ્યા છે અને સરકારી સહાય કે પોતાના સંસાધનો દ્વારા તેનો યોગ્ય નિકાલ કરી રહ્યા છે. પક્ષના અન્ય નેતાઓએ આંકડાઓ રજૂ કરતા દાવો કર્યો હતો કે પંજાબમાં ૨૦૨૧માં પરાળ સળગાવવાની ૭૧,૦૦૦ ઘટનાઓ બની હતી, જે ઘટીને ૨૦૨૨માં ૪૯,૯૨૨ અને ૨૦૨૩માં ૩૬,૬૬૩ થઈ ગઈ હતી. આ આંકડાઓ ૨૦૨૪માં ૧૦,૯૦૬ અને ૨૦૨૫માં ઘટીને માત્ર ૫,૧૧૪ પર પહોંચી ગયા છે, જે ૨૦૨૧ની સરખામણીમાં આશરે ૯૩ ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે.
આપના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભાજપના નેતાઓએ કોઇપણ પ્રકારના પાયા વગરના નિવેદનો આપતા પહેલા ઉપલબ્ધ સરકારી ડેટા અને વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો જોઈએ. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ પંજાબ સરકાર દ્વારા પાકના અવશેષોના વ્યવસ્થાપનની કામગીરી પર સતત સવાલો ઉઠાવવાનું ચાલુ રાખ્યું છે અને ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ સામે ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીના પ્રદૂષણની આ વાર્ષિક સમસ્યા હવે ફરી એકવાર કેન્દ્રસ્થાને આવી ગઈ છે, જ્યાં એક તરફ આપ સરકાર પંજાબમાં પરાળ સળગાવવાની ઘટતી જતી ઘટનાઓના આંકડા રજૂ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી રહી છે.
