કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) દ્વારા ભારતની એક્સિમ બેંક સાથે થયેલી આર્થિક ગેરરીતિ અને છેતરપિંડીના એક મોટા કેસમાં એફઆઈઆર નોંધીને કાયદાકીય શિકંજો કસવામાં આવ્યો છે. એક્સિમ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર જી. સેલ્વા કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે આ પગલું લેવામાં આવ્યું છે. આ મામલો યુકે સ્થિત 'હાંજર બાયોટેક (એરિથ) લિમિટેડ' નામની કંપની સાથે જોડાયેલો છે, જે હવે વિસર્જન પામી ચૂકી છે. આ કંપની ઉપરાંત તેના ભૂતપૂર્વ ડિરેક્ટરો, જામીનદારો તેમજ નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ અને હ્યુમ સિન્થેસિસ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓ તથા અજાણ્યા જાહેર સેવકોને પણ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, યુકેમાં એક રિસાયક્લિંગ પ્રોજેક્ટ માટે મશીનરી ખરીદવાના બહાને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. યુકે સ્થિત હાંજર બાયોટેક કંપનીએ મશીનરી સપ્લાય કરવા માટે નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે કરાર કર્યો હતો અને આ પ્રોજેક્ટ માટે એક્સિમ બેંક પાસે લોનની માંગણી કરી હતી. પ્રોજેક્ટની કુલ કિંમત ૧૫.૯૦ મિલિયન ડોલર દર્શાવવામાં આવી હતી, જેમાં પ્રમોટર્સનું યોગદાન ૫.૯૦ મિલિયન ડોલર અને બાકીના ૧૦ મિલિયન ડોલર એક્સિમ બેંક દ્વારા લોન તરીકે ફંડ કરવાનું નક્કી થયું હતું. મુંબઈ સ્થિત બેંકની એક્ઝિક્યુટિવ કમિટીએ વર્ષ ૨૦૧૨માં આ ૧૦ મિલિયન ડોલરની ટર્મ લોનને મંજૂરી આપી હતી, જેનો હેતુ માત્ર પ્રોજેક્ટને આર્થિક સહાય પૂરો પાડવાનો હતો.
પરંતુ તપાસમાં એવું બહાર આવ્યું છે કે જે હેતુ માટે લોન લેવામાં આવી હતી તે મશીનરી ક્યારેય સપ્લાય જ કરવામાં આવી નહોતી. મશીનરીની ખરીદી માટે એડવાન્સ તરીકે આપવામાં આવેલા નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને તે રકમ હ્યુમ સિન્થેસિસ સહિતની સંબંધિત પાર્ટીઓને લોન તરીકે આપીને અન્યત્ર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. આમ, ૧૦ મિલિયન ડોલરની સમગ્ર લોનની રકમ ગેરકાયદેસર રીતે ચાંપી દેવામાં આવી હતી. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ આ લોન ખાતું નોન-પરફોર્મિંગ એસેટ (NPA) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની માર્ગદર્શિકા મુજબ તેને સત્તાવાર રીતે 'છેતરપિંડી' (Fraud) જાહેર કરવામાં આવ્યું હતું.
