દિલ્હીની સતત કથળી રહેલી હવામાન અને વાયુ પ્રદૂષણની સમસ્યાએ રાષ્ટ્રીય રાજધાનીમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે એક નવો રાજકીય વિવાદ છેડ્યો છે. પંજાબની સત્તાધારી પાર્ટીએ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે તેઓ રાજકીય રોટલા શેકવા માટે પંજાબના ખેડૂતોને અન્યાયી રીતે નિશાન બનાવી રહ્યા છે. ચંદીગઢ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં 'આપ' નેતા બલતેજ પન્નુએ દાવો કર્યો હતો કે ડાંગરની કાપણીની મોસમ બરાબર શરૂ પણ થઈ નહોતી, ત્યારે જ ભાજપના નેતાઓએ દિલ્હીના પ્રદૂષણનું ઠીકરું પંજાબના માથે ફોડવાનું શરૂ કરી દીધું હતું. તેમણે દિલ્હીના મંત્રી મજિંદર સિંહ સિર્સાના નિવેદનો પર સવાલો ઉઠાવતા કહ્યું કે ભાજપ પ્રદૂષણના મૂળ કારણો પર ધ્યાન આપવાને બદલે માત્ર પરાળ દહનના મુદ્દે રાજકીય રંગ આપી રહી છે.
આપ નેતાએ સ્પષ્ટતા કરી હતી કે દિલ્હીનું પ્રદૂષણ કોઈ એક કારણસર નહીં પરંતુ અનેક જટિલ પરિબળોનું પરિણામ છે, તેથી માત્ર પંજાબના ખેડૂતોને જ દોષી ઠેરવવા તદ્દન ખોટું છે. ભગવંત માન સરકારના પ્રયાસોનો બચાવ કરતા તેમણે જણાવ્યું કે સરકારે પરાળ સળગાવવાની પ્રથાને અંકુશમાં લેવા અને પાકના અવશેષોના વૈજ્ઞાનિક સંચાલનને પ્રોત્સાહન આપવા માટે આ સિઝનમાં ૨૧,૦00 થી વધુ નવી મશીનો ખરીદી છે. ખેડૂતો પણ હવે જાગૃત બની રહ્યા છે અને પોતાના સંસાધનો તેમજ સરકારી સહાયથી પરાળ વ્યવસ્થાપન કરી રહ્યા છે. પન્નુના જણાવ્યા અનુસાર, સરકારના સઘન પ્રયાસો અને ખેડૂતોની વધતી જાગૃતિના કારણે રાજ્યમાં ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, પંજાબમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં વર્ષ ૨૦૨૧માં ૭૧,૦૦૦ બનાવો નોંધાયા હતા, જે ઘટીને ૨૦૨૨માં ૪૯,૯૨૨ અને ૨૦૨૩માં ૩૬,૬૬૩ થયા હતા. આ આંકડા વધુ નીચે જતા ૨૦૨૪માં ૧૦,૯૦૬ અને તાજેતરના સમયમાં માત્ર ૫,૧૧૪ પર પહોંચ્યા છે, જે વર્ષ ૨૦૨૧ની સરખામણીએ આશરે ૯૩ ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે. આપ નેતાઓએ ભાજપને સલાહ આપી કે નિવેદનો આપતા પહેલા ઉપલબ્ધ ડેટાનો અભ્યાસ કરવો જોઈએ. બીજી તરફ, ભાજપે પંજાબ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવાનું ચાલુ રાખ્યું છે, જેના કારણે દિલ્હીના પ્રદૂષણનો આ ગંભીર મુદ્દો આગામી સમયમાં વધુ રાજકીય ગરમાવો લાવે તે સ્પષ્ટ છે.
