ન્યૂયોર્ક રાજ્યમાં ફાટી નીકળેલા ઓરી (Measles) ના ગંભીર રોગચાળા વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં લુઈસ કાઉન્ટીમાં ઓરીના સંક્રમણથી એક બાળકનું મોત નીપજ્યું છે. રાજ્ય અને કાઉન્ટીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા સંયુક્ત પ્રેસ રિલીઝ અનુસાર, ગોપનીયતાના કારણોસર અધિકારીઓએ મૃતક બાળક વિશે વધુ વિગતો જાહેર કરી નથી. આ ઘટના બાદ ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે સોશિયલ મીડિયા પર ગહન શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દાયકામાં ઓરીથી રાજ્યમાં થયેલું આ પ્રથમ મૃત્યુ છે, જે રસીકરણ દ્વારા અટકાવી શકાય તેવા રોગો સામેની લડાઈમાં આપણે ક્યાં પાછા પડી રહ્યા છીએ તેની એક ગંભીર ચેતવણી સમાન છે.
આ ભયજનક સ્થિતિ માત્ર ન્યૂયોર્ક પૂરતી સીમિત નથી, પરંતુ પાડોશી રાજ્ય પેન્સિલવેનિયામાં પણ ઓરીના કારણે પાંચ લોકોના મોત થયા છે અને ૧,૪૩૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા કેટલાક વર્ષોથી રસીકરણનો દર ઘટીને હર્ડ ઇમ્યુનિટીના સ્તરથી નીચે જતો રહ્યો છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકો ભારે જોખમમાં મુકાયા છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (CDC) ના ડેટા મુજબ, વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં દેશના ૪૫ રાજ્યોમાંથી ઓરીના ૪,૮જી૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જો આ જ રીતે એક જ સ્ટ્રેનનું સંક્રમણ ૧૨ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહેશે, તો આગામી નવેમ્બરમાં યુએસએ દાયકાઓ જૂનો ઓરી મુક્ત (Measles Elimination) દેશ હોવાનો દરજ્જો પણ ગુમાવવો પડી શકે છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગવર્નર કેથી હોચુલે ઓક્ટોબરમાં જ રાજ્યમાં કટોકટી જાહેર કરી દીધી હતી, જેનાથી વ્યાપક સ્તરે ટેસ્ટિંગ અને રસીકરણ અભિયાન ઝડપી બનાવી શકાય. રાજ્યમાં અત્યાર સુધીમાં ન્યૂયોર્ક શહેરના આઠ કેસો સહિત કુલ ૧૭૮ લોકો ઓરીની ઝપેટમાં આવી ચૂક્યા છે. નિષ્ણાતોના મતે, ઓરી, મમ્પ્સ અને રૂબેલા (MMR) ની રસીના બે ડોઝ લેવાથી આ સંક્રમણને ૯૭ ટકા સુધી અટકાવી શકાય છે. ઓરી એ અત્યંત ચેપી રોગ છે જે શરદી-તાવ જેવા લક્ષણોથી શરૂ થઈને સમગ્ર શરીરે લાલ ચકામા પેદા કરે છે અને હજારોમાં એકથી ત્રણ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
