દિવંગત પૉપ દિગ્ગજ માઈકલ જેક્સનના નિધનને લગભગ ૧૭ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ તેમની સંપત્તિ અને એસ્ટેટના સંચાલનને લઈને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં માઈકલ જેક્સનની પુત્રી અને ગાયિકા-અભિનેત્રી પેરિસ જેક્સને લોસ એન્જલસ સુપિરિયર કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજી મુજબ, પેરિસે માઈકલ જેક્સન ફેમિલી ટ્રસ્ટમાં ૬૦૦ મિલિયન ડોલરના ટ્રાન્સફરની માંગ કરી છે. તેમનો આક્ષેપ છે કે એસ્ટેટના એક્ઝિક્યુટર જ્હોન બ્રાન્કાએ ટ્રસ્ટને ફંડ આપવામાં નિષ્ફળતા દાખવી છે, જે મૂળ રૂપે પેરિસ અને તેના ભાઈઓ પ્રિન્સ તેમજ બિગીના કલ્યાણ માટે બનાવવામાં આવ્યું હતું. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, એસ્ટેટ દ્વારા કરોડોની કમાણી કરવા છતાં ટ્રસ્ટને પૂરતું ફંડ આપવામાં આવ્યું નથી અને એક્ઝિક્યુટર દ્વારા ફંડના વિતરણ પર મનસ્વી નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે.
અરજીમાં વધુમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે માઈકલ જેક્સનના વસિયતનામા મુજબ બાળકો ૨૧ વર્ષના થયા બાદ તેમને ટ્રસ્ટમાંથી નિશ્ચિત હિસ્સો મળવો જોઈએ અને ૩૦ થી ૩૫ વર્ષની ઉંમર સુધીમાં તેમને મુખ્ય રકમનો મોટો હિસ્સો મળવો અનિવાર્ય છે. જો કે, પેરિસનો દાવો છે કે એક્ઝિક્યુટર્સે આ નિયમોનું પાલન કરવાને બદલે પોતાના વિવેકાધીન આધારે બાળકોને નામ માત્રની ઓછી રકમ આપી છે. એટલું જ નહીં, જ્યારે પેરિસે ગત વર્ષે આ બાબતે કાનૂની સહાયતા લીધી, ત્યારે તેને અને તેના ભાઈઓને મળતી રકમમાં લાખો ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પેરિસે તર્જ રજૂ કર્યો છે કે કરવેરા પૂર્વે એસ્ટેટની આવક આશરે ૧ અબજ ડોલર સુધી પહોંચી ચૂકી છે, જેથી ચાલુ ટેક્સ વિવાદો હોવા છતાં એસ્ટેટ પાસે ફંડની કોઈ જ કમી નથી.
બીજી બાજુ, માઈકલ જેક્સન એસ્ટેટના પ્રતિનિધિઓએ આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. એસ્ટેટના જણાવ્યા મુજબ, યુએસ ટેક્સ ઓથોરિટી (IRS) સાથેના લગભગ ૭૦૦ મિલિયન ડોલરના લાંબા અને જટિલ કર વિવાદોને કારણે ટ્રસ્ટને સંપૂર્ણપણે ફંડ કરવું હાલમાં જટિલ બન્યું છે. જો કે, કાનૂની લડાઈ બાદ ટેક્સની રકમમાં નોંધપાત્ર ઘટાડો મેળવવામાં આવ્યો છે, પરંતુ મામલો હજુ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. એસ્ટેટે પેરિસના એ દાવાને પણ "સંપૂર્ણ બનાવટ" ગણાવ્યો છે જેમાં એક્ઝિક્યુટર્સે પેમેન્ટ ઘટાડ્યા હોવાનું કહેવાયું હતું, અને સ્પષ્ટતા કરી કે અત્યાર સુધીમાં બાળકોના લાભ માટે ૨૦૦ મિલિયન ડોલરથી વધુની રકમ વિતરિત કરવામાં આવી ચૂકી છે. આ મામલે આગામી ડિસેમ્બરમાં કોર્ટમાં વધુ સુનાવણી યોજાનાર છે, જ્યાં આ કાનૂની જંગનો અંત લાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
