પ્રયાગરાજ જિલ્લાના ત્રિવેણીપુરમ વિસ્તારમાં આવેલી ઝૂંસી પોલીસ સ્ટેશન હદમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. નેશનલ એલિજિબિલિટીકમએન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ની આગામી પરીક્ષા માટે સખત મહેનત કરી રહેલી ૧૮ વર્ષીય યુવતી લાંબા સમયથી તણાવ હેઠળ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે જ્યારે તે નિર્ધારિત સમયે જાગી નહીં, ત્યારે પરિવારજનોએ તેના રૂમમાં જઈને તપાસ કરતાં આ દુર્ઘટના સામે આવી હતી. તેના પિતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માંથી નિવૃત્ત ઇજનેર છે, અને યુવતીએ આત્યંતિક પગલું ભરવા માટે તેમના જ લાયસન્સવાળા રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ, યુવતી પરીક્ષામાં સફળતા મેળવવા માટે અત્યંત પરિશ્રમ કરી રહી હતી અને મોડે સુધી અભ્યાસ કરતી હોવાથી સામાન્ય રીતે બપોરે અઢી કે ત્રણ વાગ્યા સુધી ઊંઘમાંથી જાગતી હતી. પરંતુ સોમવારે ત્રણ વાગ્યા સુધી દરવાજો ન ખુલતા પરિવારે ચિંતાતુર થઈને દરવાજો ખખડાવ્યો હતો અને અંદર જઈને જોતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ અધિકારી સાગર જૈને આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં યુવતીએ પોતાની લાચારી વ્યક્ત કરતા લખ્યું હતું કે, "હું ક્યારેય નીટની પરીક્ષા પાસ નહીં કરી શકું, કૃપા કરીને મને માફ કરી દેજો."
આ દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ કેસમાં કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવ ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણ અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે ગંભીર સવાલો ઊભા કરે છે, જ્યાં યુવા પેઢી નાની વયે જ આકરા દબાણ સામે ઘૂંટણ ટેકી રહી છે. યુવતીના આ અચાનક અને કરૂણ અંતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
