નવી દિલ્હી ખાતે કિરોરી મલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (મુક્ત વેપાર કરારો) અંગે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો, માછીમારો અને એમએસએમઈ (MSME) ક્ષેત્રના હિતોની સુરક્ષા કરવી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ જ કારણોસર અત્યાર સુધીના કોઈપણ વેપાર કરારમાં ડેરી સેક્ટર કે સંવેદનશીલ કૃષિ પ્રોડક્ટ્સ બાબતે કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ભારતીય બજારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વિદેશી ડેરી પ્રોડક્ટ્સ માટે દરવાજા ક્યારેય ખોલવામાં આવ્યા નથી અને ભવિષ્યમાં પણ ડેરી તથા જીએમ પ્રોડક્ટ્સની આયાતને મંજૂરી આપવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
આંતરરાષ્ટ્રીય વેપાર કરારોમાં ભારતીય નાગરિકોની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે તેમ જણાવીને મંત્રીએ ઉમેર્યું હતું કે વિદેશી દેશોમાં ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે ઘણીવાર વાછરડાના માંસ કે 'રેનેટ' (Rennet) જેવા ઉત્સેચકોનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આવા ઉત્પાદનો પર સખત પ્રતિબંધ છે અને અહીં આયાત થતી કે બનતી ચીજવસ્તુઓનું સર્ટિફિકેશન અનિવાર્ય છે જેથી દેશના વિશાળ જનસમુદાયની ધાર્મિક લાગણીઓને કોઈ ઠેસ ન પહોંચે. ભારત સરકાર વૈશ્વિક વેપાર ક્ષેત્રે નવા અવસરો જરૂર શોધી રહી છે, પરંતુ પોતાના રાષ્ટ્રીય હિતો અને સંવેદનશીલ મુદ્દાઓ સાથે ક્યારેય કોઈ બાંધછોડ કરવામાં આવી નથી.
વધુમાં, મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ પ્રોડક્ટ્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે પ્રિફરન્શિયલ માર્કેટ એક્સેસ મેળવવા માટે સતત પ્રયાસશીલ છે, જેથી આપણા ઉત્પાદનોને ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને ચીન જેવા હરીફ દેશોની સરખામણીમાં કરવેરામાં વિશેષ લાભ મળી શકે. દેશમાં રોજગારીની તકો વિશે વાત કરતા તેમણે કહ્યું કે સરકાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપી રહી છે અને સાથે સાથે આજના યુવાનો માટે સ્ટાર્ટઅપ તથા ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે નવી સોનેરી તકોના દ્વાર ખુલ્લા છે, જે દેશના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપી રહ્યા છે.
