ટ્રમ્પે પોતાના ભાષણ દરમિયાન ઇલ્હાન ઓમારના મૂળ દેશ સોમાલિયાનો ઉલ્લેખ કરતા કટાક્ષમાં જણાવ્યું હતું કે, જો તેઓ પોતાના દેશ પ્રત્યે આટલો જ પ્રેમ ધરાવતા હોય તો તેમણે સોમાલિયા પાછા જઈને ત્યાંની વ્યવસ્થાઓ સુધારવી જોઈએ. ટ્રમ્પે વધુમાં દાવો કર્યો હતો કે ઇલ્હાન ઓમાર અમેરિકાની નીતિઓ અને સુરક્ષાને નુકસાન પહોંચાડી રહ્યા છે. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલ્હાન ઓમાર વચ્ચે લાંબા સમયથી રાજકીય મતભેદો ચાલ્યા આવે છે અને ટ્રમ્પ અગાઉ પણ તેમના પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.
બીજી બાજુ, ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન સામે ઇલ્હાન ઓમાર અને તેમના સમર્થકોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ડેમોક્રેટિક નેતાઓએ આ નિવેદનને જાતિવાદી અને અપમાનજનક ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પ સતત લઘુમતી સમુદાયના નેતાઓ અને ખાસ કરીને વિદેશી મૂળના અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને દેશમાં ધ્રુવીકરણની રાજનીતિ કરી રહ્યા છે. આ વિવાદ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં અમેરિકન રાજકારણમાં અસ્મિતા અને વંશીય મુદ્દાઓને વધુ વેગ આપી રહ્યો છે.
