એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ અને રોકાણ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરતા 'ડ્રીમ મેકર્સ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ' સાથે જોડાયેલી અંદાજે ૮૫.૧૯ કરોડ રૂપિયાની સંપત્તિઓ હંગામી ધોરણે જપ્ત કરી છે. આ કંપની વિરુદ્ધ હજારો ભોળા રોકાણકારોને ઊંચા વળતરનું સ્વપ્ન બતાવીને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ છે. તપાસ એજન્સી દ્વારા આ કેસમાં કડક પગલાં લેવામાં આવતાં આર્થિક અપરાધીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ED ની અત્યાર સુધીની વિસ્તૃત તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ છેતરપિંડી કરનાર કંપનીએ વિવિધ ભ્રામક યોજનાઓ અને લોભામણી જાહેરાતો દ્વારા રોકાણકારો પાસેથી કુલ ૪૦૦ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ એકત્રિત કરી હતી. રોકાણકારોની મહેનતની આ કમાણીને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાને બદલે તેનું વ્યવસ્થિત ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. નાણાકીય હેરાફેરીના આ નેટવર્કમાં એજન્ટો અને કંપનીના મુખ્ય હોદ્દેદારોને ભારેખમ કમિશન ચૂકવીને સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે.
તપાસ એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલી ૮૫ કરોડથી વધુની સંપત્તિઓ આ કૌભાંડના કાળા નાણાંને ધોળા કરવાના પ્રયાસોનો જ એક ભાગ હોવાનું મનાય છે. ED આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે જેથી આ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય અદ્રશ્ય ચેહરાઓ અને મોટા માથાઓને પણ કાયદાના શિંકજામાં ફસાવી શકાય. સત્તાવાળાઓ દ્વારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે આ ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી સંપત્તિઓ સામે કાયદાકીય પ્રક્રિયા વધુ વેગવંતી બનાવવામાં આવી છે.
