સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દિશા-નિર્દેશો મુજબ, વાહનોમાં ઇન્સ્ટોલ કરવામાં આવનાર જીપીએસ ડિવાઈસ સીધા જ રાજ્યના સત્તાવાર 'માઇમાસ' (MiMAS)પોર્ટલ સાથે જોડાયેલા હોવા જરૂરી છે. આનાથી પરિવહન કરતા વાહનોની લાઈવ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ મળી રહેશે, જેનાથી ખનિજોની હેરાફેરી પર સરકાર દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક નજર રાખી શકાશે. હાલમાં રાજ્યભરમાં ખનિજ વહન માટે આશરે ૧.૧૦ લાખ વાહનો રજીસ્ટર્ડ થયેલા છે, પરંતુ તેમાંથી માત્ર ૫૦,૦૦૦ જેટલા વાહનો જ સક્રિયપણે ખનિજ પરિવહનના વ્યવસાય સાથે જોડાયેલા છે.
આ નવા નિયમનો અમલ સુનિશ્ચિત કરવા માટે લારી અને ટ્રક માલિકોએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકૃત વેન્ડરો પાસેથી જ જીપીએસ ઉપકરણો ખરીદવાના રહેશે. હાલમાં આ ઉપકરણની કિંમત અંદાજે ૪,૦૦૦ રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્ધારિત સમયમર્યાદામાં જે વાહનોમાં આ ટેકનોલોજી ઇન્સ્ટોલ નહીં થાય તેમને કોઈપણ સંજોગોમાં ખનિજ વહનની પરમિટ આપવામાં આવશે નહીં.
