JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

ઘર માટે ટાઇલ્સ પસંદ કરતી વખતે રાખો ખાસ સાવધાની, જાણી લો કયા રૂમમાં કઈ ટાઇલ્સ રહેશે શ્રેષ્ઠ

Oct 31, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
ઘર માટે ટાઇલ્સ પસંદ કરતી વખતે રાખો ખાસ સાવધાની, જાણી લો કયા રૂમમાં કઈ ટાઇલ્સ રહેશે શ્રેષ્ઠ
ઘરની સુંદરતા વધારવાની સાથે તેની સુરક્ષા અને ટકાઉપણા માટે દરેક ભાગની જરૂરિયાત મુજબ યોગ્ય ટાઇલ્સની પસંદગી કરવી અત્યંત આવશ્યક છે. માત્ર રંગ અને ડિઝાઇન જોઈને ટાઇલ્સ ખરીદવાથી ભવિષ્યમાં લીકેજ, લપસવાની સમસ્યા અને સફાઈમાં મુશ્કેલી જેવી અનેક અગવડો ઊભી થઈ શકે છે.

ઘર બનાવતી વખતે કે તેનું નવિનીકરણ કરતી વખતે ટાઇલ્સની ખરીદી માત્ર તેની સુંદરતા કે કિંમત જોઈને ન કરવી જોઈએ, કારણ કે ઘરના દરેક ભાગની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. જો લિવિંગ રૂમની વાત કરીએ તો ત્યાં લોકોની અવરજવર સૌથી વધુ રહે છે, જેથી મજબૂત અને રોજિંદા ઉપયોગને સહન કરી શકે તેવી સિરામિક ટાઇલ્સ ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. લિવિંગ રૂમમાં મેટ અથવા સોફ્ટ-શીન ફિનિશવાળી અને હળવા ન્યૂટ્રલ રંગની ટાઇલ્સ લગાવવાથી પ્રકાશનું વધુ પડતું પરાવર્તન અટકે છે અને ફર્નિચર તથા સજાવટ સાથે સંતુલિત દેખાવ મળે છે. આ ઉપરાંત, બાલ્કની, ટેરેસ અને પાર્કિંગ જેવા ખુલ્લા વિસ્તારોમાં તડકો અને વરસાદ સહન કરી શકે તેવી હેવી-ડ્યુટી વિટ્રિફાઇડ કે નેચરલ સ્ટોન લુક ધરાવતી મજબૂત ટાઇલ્સ જ લગાવવી જોઈએ, જેથી લાંબા ગાસ સુધી કોઈ નુકસાન ન થાય.

કિચન અને બાથરૂમ જેવા વિસ્તારોમાં ટાઇલ્સની પસંદગી કરતી વખતે ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે કારણ કે કિચનમાં ગરમી, તેલના છાંટા અને ભેજ જેવી સમસ્યાઓ રહે છે. કિચન માટે એવી ટાઇલ્સ પસંદ કરવી જોઈએ જે ડાઘ અને ગરમી સહન કરી શકે તથા સરળતાથી સાફ થઈ શકે, જેમાં બેકસ્પ્લેશ માટે ગ્લોસી ટાઇલ્સ સુંદર અને આકર્ષક દેખાવ આપે છે. બીજી તરફ, બાથરૂમ અને દાદરા જેવા સ્થાનો પર સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. પાણીના કારણે ભીના રહેતા બાથરૂમમાં વધુ ચમકદાર ટાઇલ્સ લપસી પડવાનું જોખમ વધારે છે, તેથી શાવર એરિયા અને વૉશબેસિનની આસપાસ હંમેશાં સ્લિપ-રેઝિસ્ટન્ટ અને સારી પકડ આપતી ટાઇલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી પરિવારની સલામતી જળવાઈ રહે.

ઘરના અન્ય અંગ સમાન બેડરૂમમાં ટાઇલ્સની પસંદગી કરતી વખતે ચમકદાર કે ભડકાઉ ડિઝાઇનને ટાળીને શાંત અને કુદરતી વાતાવરણ ઊભું કરતા રંગોને પ્રાધાન્ય આપવું જોઈએ. બેડરૂમ માટે સોફ્ટ ગ્રે, હળવા બેજ અને મેટ ફિનિશવાળી ટાઇલ્સ રૂમને એકદમ શાંતિપૂર્ણ અને આહલાદક લુક પ્રદાન કરે છે. ટૂંકમાં કહીએ તો, ઘરના કયા ભાગમાં કયા પ્રકારની સપાટી, મજબૂતાઈ અને ફિનિશિંગની જરૂર છે તેનો અભ્યાસ કરીને જ ટાઇલ્સ ખરીદવી જોઈએ. જો જગ્યાની જરૂરિયાત અને હવામાનને ધ્યાનમાં રાખીને યોગ્ય ટાઇલ્સની પસંદગી કરવામાં આવે તો ઘર લાંબા સમય સુધી સુંદર, સુરક્ષિત અને જાળવણી મુક્ત રહે છે.

LATEST ARTICLES