JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અમેરિકાના એચ-1બી વિઝા નિયમોમાં સંભવિત ફેરફારથી ભારતીયોની મુશ્કેલીઓ વધી શકે છે

Oct 31, 2026 | 11:20 | By JAMNAGAR MIRROR
અમેરિકાના એચ-1બી વિઝા નિયમોમાં સંભવિત ફેરફારથી ભારતીયોની મુશ્કેલીઓ વધી શકે છે
અમેરિકા દ્વારા એચ-1બી વિઝા એક્સટેન્શન નીતિમાં ફેરફારનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનાથી ગ્રીન કાર્ડની રાહ જોતા લાખો ભારતીય વ્યાવસાયિકો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે.

અમેરિકામાં કાયમી વસવાટ એટલે કે ગ્રીન કાર્ડ મેળવવાનું સ્વપ્ન સેવીને બેઠેલા ભારતીય વ્યાવસાયિકો માટે આગામી સમય મુશ્કેલીભર્યો સાબિત થઈ શકે છે. અમેરિકન પ્રશાસન દ્વારા એચ-1બી વિઝા એક્સટેન્શન સંબંધિત મહત્વપૂર્ણ ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) અને USCIS દ્વારા ‘ડિફરન્સ ટુ પ્રાયોર એપ્રુવલ’ નીતિને હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત આ અંગે આગામી 13 નવેમ્બર, 2026 સુધી જાહેર જનતા પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જોકે આ પ્રસ્તાવ હજુ અંતિમ સ્વરૂપ પામ્યો નથી, પરંતુ તેના સંભવિત અમલીકરણને લઈને ભારતીય કોમ્યુનિટીમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી સમાન કંપનીમાં અને સમાન પદ પર રહીને પોતાના એચ-1બી વિઝાનું એક્સટેન્શન માંગે છે, તો ઇમિગ્રેશન વિભાગ સામાન્ય રીતે અગાઉ આપેલી મંજૂરીને માન્ય રાખીને પ્રક્રિયા સરળ બનાવે છે. પરંતુ, નવા પ્રસ્તાવના અમલ બાદ આ સગવડ નાબૂદ થઈ શકે છે અને દરેક વિઝા એક્સટેન્શન સમયે કર્મચારીની લાયકાત, પગાર, નોકરીની વર્તમાન સ્થિતિ અને કંપની સાથેના સંબંધોની ફરીથી ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. અમેરિકી સરકારનું માનવું છે કે આ પગલાથી વિઝા સંબંધિત ગેરરીતિઓ અટકાવી શકાશે, પરંતુ બીજી તરફ આ જટિલ પ્રક્રિયાના કારણે અરજીઓમાં વિલંબ અને વધુ પડતા પુરાવાઓની માંગણી (RFE) જેવી મુશ્કેલીઓ પણ વધી જશે.

નાણાકીય વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો એચ-1બી વિઝા મેળવનારા કુલ લોકોમાં આશરે 71 ટકા હિસ્સો ભારતીય નાગરિકોનો હતો, જ્યારે નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના અહેવાલ મુજબ લગભગ 10 લાખ ભારતીયો ગ્રીન કાર્ડના બેકલોગમાં લાંબી કતારમાં ઊભા છે. આ પરિસ્થિતિમાં એચ-1બી વિઝાનું સરળ એક્સટેન્શન જ તેમનો અમેરિકામાં ટકી રહેવાનો મુખ્ય આધાર છે. આ નવા ફેરફારોની સીધી અસર એચ-4 વિઝા પર રહેતા આશ્રિત જીવનસાથીઓની વર્ક પરમિટ અને રોજગારની અનિશ્ચિતતા પર પણ પડી શકે છે. આથી, જ્યાં સુધી કોઈ અંતિમ નીતિગત નિર્ણય ન આવે ત્યાં સુધી ભારતીય અરજદારોએ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવી અનિવાર્ય બની ગયું છે.

LATEST ARTICLES