JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

સંબંધ બગડ્યા બાદ સહમતીથી બનેલા શારીરિક સંબંધોને બળાત્કાર ન ગણી શકાય: સુપ્રીમ કોર્ટ

Oct 30, 2026 | 15:21 | By JAMNAGAR MIRROR
સંબંધ બગડ્યા બાદ સહમતીથી બનેલા શારીરિક સંબંધોને બળાત્કાર ન ગણી શકાય: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સંબંધોમાં ખટાશ આવ્યા બાદ ભૂતકાળના સહમતીપૂર્વકના શારીરિક સંબંધોને બળાત્કાર ગણી શકાય નહીં. કોર્ટે બળાત્કારના કાયદાના દુરુપયોગ સામે લાલબત્તી ધરીને આ ગંભીર અપરાધની મર્યાદા જાળવવા પર ભાર મૂક્યો છે.

નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કેરળના એક વ્યક્તિને બળાત્કાર અને છેતરપિંડીના આરોપોમાંથી મુક્ત કરતાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન સમયમાં પ્રેમસંબંધો કે લગ્નેત્તર સંબંધો નિષ્ફળ ગયા બાદ તેને ફોજદારી કેસોમાં ફેરવી દેવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે જ્યારે સંબંધો સારા હતા ત્યારે પરસ્પર સંમતિથી બનેલા શારીરિક સંબંધોને પાછળથી સંબંધ બગડી જવાના કારણે 'બળાત્કાર' જેવી ગંભીર શ્રેણીમાં મૂકી શકાય નહીં. જો ભૂતકાળના નિર્ણયો બદલ પશ્ચાાતાપ થાય, તો તેને કારણે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને કોઈ નિર્દોષની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકાય નહીં.

આ ચુકાદામાં કોર્ટે છેતરપિંડીથી મેળવેલી સંમતિ અને સમય જતાં સંબંધો બગડ્યા પછી થતા પશ્ચાાતાપ વચ્ચેની પાતળી રેખાને સ્પષ્ટ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો શરૂઆતથી જ કોઈ ધોખા કે દગા દ્વારા સંમતિ મેળવવામાં આવી હોય તો તે કાયદાકીય રીતે શૂન્ય ગણાય, પરંતુ માત્ર સંબંધ તૂટી જવાના કારણે અગાઉના સહમતીવાળા સંબંધોને ગુનો સાબિત ન કરી શકાય. જો આવું થવા દેવામાં આવે તો પુરુષો પાસે સંબંધમાંથી બહાર નીકળવાનો કોઈ અધિકાર જ નહીં રહે અને તેઓ હંમેશાં બળાત્કારના ખોટા આરોપોના ડાઘ હેઠળ જીવવા મજબૂર બનશે. કોર્ટે નોંધ્યું કે આ પ્રકારના વલણથી પુરુષોની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવાઈ જાય છે અને તે કોઈ પણ રીતે કાયદાકીય ન્યાયનું સમર્થન કરતું નથી.

અદાલતે ચેતવણી આપી છે કે બળાત્કાર એ અત્યંતઘાતક અને ગંભીર ગુનો છે, જેનો ઉપયોગ માત્ર વાસ્તવિક યૌન હિંસા, બળજબરી કે સંમતિના દુરુપયોગના કિસ્સાઓમાં જ થવો જોઈએ. જ્યારે પણ કોઈ સામાન્ય નિષ્ફળ ગયેલા સંબંધને બળાત્કારના કેસમાં બદલવામાં આવે છે, ત્યારે તે વાસ્તવિક પીડિતાઓ માટેના કાયદાની ગંભીરતાને નબળી પાડે છે. આ કેસમાં સંતોષ કુમાર નામના વ્યક્તિએ કેરળ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જ્યાં તેના પર અગાઉના લગ્ન છુપાવીને બીજું લગ્ન કરવાનો અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ સીમાચિહ્નરૂપ નિર્ણયથી એવા અનેક ખોટા કેસો સામે રક્ષણ મળશે જે અંગત અદાવત કે સંબંધોના અંત પછી અદાલતોમાં દાખલ કરવામાં આવે છે.

LATEST ARTICLES