વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત કરતા આજે બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઉત્સાહપૂર્ણ માહોલમાં અંદાજે ₹14 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન માતાઓ, બાળકો, ખેડૂતો અને પશુપાલકોના સર્વાંગી સશક્તિકરણને વેગ આપતા અનેક પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ અવસરે ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'પીએમ કિસાન સન્માન નિધિ' યોજનાનો 24મો હપ્તો પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો, જેનાથી દેશભરના કરોડો અન્નદાતાઓના બેંક ખાતામાં સીધી આર્થિક સહાય જમા થઈ છે.
ભીલડીની વિશાળ જનસભાસંબોધતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને દેશમાં અરાજકતા ફેલાવનારા તત્વોને આડે હાથ લીધા હતા. તેમણે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે કેટલાક લોકોને દેશમાં થઈ રહેલો વિકાસ આંખમાં કણાની જેમ ખૂંચે છે અને તેઓ હંમેશાં અફવાઓ ફેલાવીને સરકારને બદનામ કરવાના પ્લાન બનાવતા હોય છે. રાષ્ટ્રના હિત કરતાં પોતાના સંકુચિત રાજકીય સ્વાર્થને પ્રાધાન્ય આપતા આવા લોકો દેશમાં સંકટના સમયે પણ ખુશી મનાવે છે અને વિકાસના કાર્યોમાં જાતજાતના અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં જનતા તેમની આ વાસ્તવિકતા સારી રીતે સમજી ચૂકી છે.
વૈશ્વિક પરિસ્થિતિનો ચિતાર આપતા વડાપ્રધાને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તેની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડેલી અસરોનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં કેન્દ્ર સરકારે ભારતીય ખેડૂતો પર મોંઘા ખાતરનો આર્થિક બોજ પડવા દીધો નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. યુદ્ધજન્ય વૈશ્વિક કટોકટી વચ્ચે પણ દેશમાં ક્યારેય ખાતરની કોઈ કૃત્રિમ અછત સર્જાવા દીધી નથી અને અન્નદાતાઓને હંમેશાં સમયસર પૂરતું ખાતર મળી રહે તેવી મજબૂત વ્યવસ્થા સરકારે સુનિશ્ચિત કરી છે.
