JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ભારતમાં જીએસટી કલેક્શને તોડ્યા રેકોર્ડ, ઓક્ટોબરમાં ૨૨.૯ ટકાના ઉછાળા સાથે આંકડો ૨.૩૧ લાખ કરોડ સુધી પહોંચ્યો

Nov 01, 2026 | 13:21 | By JAMNAGAR MIRROR
ભારતમાં જીએસટી કલેક્શને તોડ્યા રેકોર્ડ, ઓક્ટોબરમાં ૨૨.૯ ટકાના ઉછાળા સાથે આંકડો ૨.૩૧ લાખ કરોડ સુધી પહોંચ્યો
ભારતીય અર્થવ્યવસ્થા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઓક્ટોબર મહિનામાં ગ્રોસ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે ૨૨.૯ ટકા વધીને રૂ. ૨.૩૧ લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં કુલ કલેક્શન રૂ. ૧૪.૭૮ લાખ કરોડ નોંધાયું છે, જે દેશની મજબૂત આર્થિક ગતિવિધિ દર્શાવે છે.

કેન્દ્રીય સરકારી આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં ગ્રોસ જીએસટી કલેક્શનમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. આ વધારામાં સ્થાનિક કમાણી અને આયાત બંનેનું મોટું યોગદાન રહ્યું છે. સમીક્ષા હેઠળના મહિનામાં ગ્રોસ ડોમેસ્ટીક રેવન્યુ ૧૫.૮ ટકા વધીને રૂ. ૧.૫૯ લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતમાંથી મળતી આવક ૪૨.૨ ટકાના જબરદસ્ત ઉછાળા સાથે રૂ. ૭૨,૨૪૬ કરોડ પર પહોંચી છે. રિફંડ્સને બાદ કરતા કુલ ચોખ્ખી (નેટ) જીએસટી આવક ૨૫.૬ ટકા વધીને રૂ. ૨.૦૩ કરોડ નોંધાઈ છે, જે ટેક્સ પ્રણાલીની મજબૂતી અને વ્યાપારિક પ્રવૃત્તિઓમાં આવેલા તેજીના મોજાને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.

રાજ્યવાર પ્રદર્શન પર નજર કરીએ તો મહારાષ્ટ્રે રૂ. ૩૫,૧૫০ કરોડના કલેક્શન સાથે દેશભરમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે, જેમાં ૧૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ ઉપરાંત કર્ણાટક (રૂ. ૧૫,૯૨૨ કરોડ), ગુજરાત (રૂ. ૧૩,૫૧૬ કરોડ), અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું છે. ખાસ કરીને આસમે મોટા રાજ્યોમાં સૌથી વધુ ૪૭ ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે, જ્યારે ઝારખંડ અને મધ્યપ્રદેશે પણ પ્રશંસનીય વૃદ્ધિ દર્શાવી છે. જોકે, આ સકારાત્મક માહોલ વચ્ચે સિક્કિમ, લદ્દાખ અને પુડુચેરી જેવા કેટલાક વિસ્તારોમાં જીએસટી કલેક્શનમાં સામાન્ય ઘટાડો પણ જોવા મળ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર એમ પ્રથમ સાત મહિનાનો સંયુક્ત ગ્રોસ જીએસટી આંકડો રૂ. ૧૪.૭૮ લાખ કરોડ પર પહોંચ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ૧૩.૨ ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ઓક્ટોબરના કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી (CGST) રૂ. ૪૨,૯૩૫ કરોડ, સ્ટેટ જીએસટી (SGST) રૂ. ૫૧,૩૪০ કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) રૂ. ૧.૩૭ લાખ કરોડ રહ્યો છે. આ આંકડાઓ સાબિત કરે છે કે તહેવારોની સિઝન અને વેપારી પ્રવૃત્તિઓમાં વેગના કારણે દેશનું કર માળખું વધુ સક્ષમ બની રહ્યું છે અને અર્થવ્યવસ્થા તેજીના પંથે આગળ વધી રહી છે.

LATEST ARTICLES