JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

દક્ષિણ પૂર્વ સ્પેલનમાં મળી આવ્યો ૩૭૦૦ વર્ષ જૂનો રહસ્યમય દફનવિધિનો કિસ્સો, પથ્થર મોઢામાં મૂકીને કરાયું હતું અદ્રશ્ય શક્તિઓનું દમન

Oct 30, 2026 | 01:20 | By JAMNAGAR MIRROR
દક્ષિણ પૂર્વ સ્પેલનમાં મળી આવ્યો ૩૭૦૦ વર્ષ જૂનો રહસ્યમય દફનવિધિનો કિસ્સો, પથ્થર મોઢામાં મૂકીને કરાયું હતું અદ્રશ્ય શક્તિઓનું દમન
સ્પેનના બ્રોન્ઝ યુગના પુરાતત્વ સ્થળેથી મળી આવેલ ૩૭૦૦ વર્ષ જૂના માનવ કંકાલ પરથી ચોંકાવનારો ખુલાસો થયો છે. સંશોધકોના મતે આ દફનવિધિ કોઈ સામાન્ય સજા નહોતી, પરંતુ અરાજકતા અને ખતરાને રોકવા માટેનું એક પ્રાચીન જાદુઈ કર્મકાંડ હોઈ શકે છે.

દક્ષિણ-પૂર્વ સ્પેનના પ્રખ્યાત પુરાતત્વ સ્થળ લા અલ્મોલોયા (La Almoloya) ખાતેથી મળી આવેલા આશરે ૩૭૦૦ વર્ષ જૂના એક અનોખા દફનવિધિએ ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે. 'એલ અર્ગાર' સંસ્કૃતિના સમયકાળ (આશરે ૧૭૫૦ થી ૧૫૫০ બીસી) સાથે જોડાયેલા આ કિસ્સામાં,શરીરના નીચલા ભાગને ભઠ્ઠી (Hearth) નીચે અને ચહેરાને સામાન્ય સપાટીથી માત્ર એક સેન્ટીમીટર નીચે દફનાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મૃતકના મોઢામાં એક મોટો પથ્થર પણ ઘૂસાડવામાં આવ્યો હતો. અગાઉ આ અસામાન્ય રચનાને મૃતક પ્રત્યેની ધૃણા, અપમાન કે સજા તરીકે જોવામાં આવતી હતી, કારણ કે તે જગ્યા પરથી પસાર થનાર દરેક વ્યક્તિ તેના ચહેરા પર પગ મૂકતી હતી અને મોઢામાં પથ્થર હોવાથી તેને મૂંગો રાખવાનો પ્રયાસ પ્રતીત થતો હતો.

મેડ્રિડની કોમ્પ્લુટેન્સ યુનિવર્સિટીના સંશોધક માર્કો માઝોન ગોમારિઝ દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસ મુજબ, આ પ્રક્રિયા માત્ર કોઈ શારીરિક સજા નહીં પરંતુ અલૌકિક શક્તિઓ અને અરાજકતાને કાબૂમાં લેવાની એક પ્રાચીન જાદુઈ વિધિ હોઈ શકે છે. પ્રાચીન ઇજિપ્ત અને નિકટવર્તી પૂર્વના દેશોમાં દુશ્મનોને પ્રતીકાત્મક રીતે કચડી નાખીને પોતાની સત્તા અને વ્યવસ્થા સ્થાપિત કરવાના પુરાવાઓ મળે છે. આ સંશોધનમાં એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે મૃતક 'AY5' ના નામે ઓળખાતા આ ૪૦ વર્ષીય પુરુષને ભઠ્ઠી નીચે અને ચાલવાની જગ્યાની બરાબર નીચે ગોઠવીને અને તેના મોઢામાં પથ્થર મૂકીને કદાચ કોઈ મોટા ભય કે supernatural શક્તિઓને હંમેશ માટે શાંત કરવા અથવા દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જોકે, સંશોધકો આ વાતને સ્પષ્ટપણે સ્વીકારે છે કે તે સમયની કોઈ લિખિત સાક્ષી ઉપલબ્ધ ન હોવાથી આ માત્ર એક પૂર્વધારણા કે સંશોધનાત્મક તર્ક જ છે. ૭૦ ચોરસ મીટરના વિશાળ હોલમાં મળેલો આ મૃતદેહ તે જ સમુદાયના અન્ય લોકો સાથે જિનેટિકલી જોડાયેલો હોવા છતાં, તેના મોતનું ચોક્કસ કારણ કે પૂર્વ જીવન અંગે કોઈ પુરાવા મળ્યા નથી. હાડકાં પર કોઈ ગંભીર ઇજાના નિશાન નથી, જે દર્શાવે છે કે આ ક્રૂર દેખાતી વિધિ કદાચ જીવિત લોકોની મૃત્યુ પ્રત્યેની માન્યતાઓ અને ડર સાથે જોડાયેલી હતી. આ અનોખી શોધ બ્રોન્ઝ યુગના માનવીઓની માનસિકતા, તેમના અંધવિશ્વાસ અને ભૌતિક તેમજ અલૌકિક દુનિયા વચ્ચેના સંબંધોની એક રોમાંચક ઝાંખી કરાવે છે.

LATEST ARTICLES