JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

નર્મદા મુદ્દે 4 રાજ્યો વચ્ચે મોટો નિર્ણય, સરદાર સરોવર યોજનાના બાકી નાણાંની ચૂકવણીનો માર્ગ મોકળો

Oct 29, 2026 | 19:31 | By JAMNAGAR MIRROR
નર્મદા મુદ્દે 4 રાજ્યો વચ્ચે મોટો નિર્ણય, સરદાર સરોવર યોજનાના બાકી નાણાંની ચૂકવણીનો માર્ગ મોકળો
નર્મદા યોજનાના ખર્ચની વહેંચણીના લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. નર્મદા નિયંત્રણ સત્તામંડળની બેઠકમાં ચારેય રાજ્યો વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી નાણાકીય વર્ષ 2026-27માં બાકી લેણાં ચૂકવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

નર્મદા યોજનાને લઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે લાંબા સમયથી ખર્ચની વહેંચણીને લઈને નાણાકીય વિવાદ ચાલી રહ્યો હતો, જેના ઉકેલ તરફ હવે મોટું પગલું ભરાયું છે. નર્મદા નિયંત્રણ સત્તામંડળની સમીક્ષા સમિતિની 15મી બેઠકમાં સરદાર સરોવર યોજના સાથે જોડાયેલાં બાકી લેણાંની ચૂકવણીની પદ્ધતિને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વના નિર્ણયથી તમામ રાજ્યો વચ્ચેના જૂના નાણાકીય પ્રશ્નો અને દાવાઓનો એક જ વખતમાં કાયમી ઉકેલ લાવવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

ગત 27 ઓક્ટોબર 2026ના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી આ બેઠક કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સમિતિના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જોડાઈને સહમતી દર્શાવી હતી. બેઠકમાં ગત 7 જુલાઈ 2026ના રોજ નવી દિલ્હીમાં ચારેય રાજ્યો વચ્ચે થયેલા સમજૂતી કરાર અને ભારતના એટર્ની જનરલના અભિપ્રાયને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યા હતા. આ તમામ નાણાકીય લેણાં અને બાકી રકમની ચૂકવણી આગામી નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન જ પૂર્ણ કરી લેવાની સ્પષ્ટ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ ઐતિહાસિક સમજૂતી બદલ ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓનો વિશેષ આભાર માન્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય નદીજળના પ્રશ્નો ખૂબ જ સરળતાથી ઉકેલાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ કરારથી માત્ર નાણાકીય વિવાદો જ નહીં સમેટાય પરંતુ ભવિષ્યમાં નર્મદા કમાન્ડ વિસ્તાર અને તેની સાથે સંકળાયેલી યોજનાઓના વિકાસ કાર્યોને પણ ભારે વેગ મળશે. ચારેય રાજ્યોના અધિકારીઓ અને જળસંસાધન વિભાગના સહયોગથી થયેલી આ પહેલથી રાજ્યો વચ્ચેના પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે અને પ્રદેશના સર્વાંગી વિકાસનો નવો અધ્યાય શરૂ થશે.

LATEST ARTICLES