માર્ગ પર વાહન ચલાવતી વખતે કે રસ્તો ઓળંગતી વખતે સર્જાતા અકસ્માતોમાં વારંવાર એ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે કાયદાકીય દ્રષ્ટિએ ભૂલ કોની ગણાય? સામાન્ય સંજોગોમાં લોકો માની લેતા હોય છે કે મોટી ગાડી કે વાહનચાલકનો જ વાંક હશે, પરંતુ કાયદો અકસ્માતના ચોક્કસ સંજોગો અને તથ્યોના આધારે જવાબદારી નક્કી કરે છે. મોટર વાહન ડ્રાઇવિંગ નિયમો હેઠળ રાહદારીઓને માર્ગનો અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો ગણવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર, વાહનચાલકોએ રાહદારીઓ, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ વ્યક્તિઓની સલામતી પ્રત્યે વિશેષ તકેદારી રાખવી ફરજિયાત છે. ખાસ કરીને જ્યાં ટ્રાફિક સિગ્નલ ન હોય અને લોકો રસ્તો ઓળંગતા હોય, ત્યાં વાહનની ઝડપ ધીમી રાખવી અનિવાર્ય છે.
ઝેબ્રા ક્રોસિંગ મુખ્યત્વે રાહદારીઓની સલામત અવરજવર માટે બનાવવામાં આવે છે, જેથી આવા સ્થળોએ વાહનચાલકોએ અત્યંત સાવધાની રાખવી પડે છે અને ટ્રાફિક સિગ્નલ પર વાહનોને ક્રોસિંગ પહેલાં જ રોકવા પડે છે. માર્ગ અકસ્માત બાદ પોલીસ અને ન્યાયિક તપાસ દરમિયાન અનેક પરિબળો ધ્યાને લેવાય છે. જેમાં રાહદારી ક્યાંથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, વાહનની ગતિ મર્યાદા કેટલી હતી અને ચાલક પાસે વાહન નિયંત્રિત કરવાનો પૂરતો સમય હતો કે કેમ તે ચકાસવામાં આવે છે. જો રાહદારીની પણ સ્પષ્ટ બેદરકારી જણાય, તો અદાલત બંને પક્ષોના તથ્યોને ચકાસીને જવાબદારી નક્કી કરે છે, જેથી અગાઉથી કોઈ એક પક્ષને દોષિત માની શકાતો નથી.
જો તપાસમાં વાહનચાલકની ગંભીર બેદરકારી કે અતિશય પૂરપાટ ઝડપ સાબિત થાય, તો ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ હેઠળ ગુનાહિત કાર્યવાહી થઈ શકે છે. બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને લીધે જો કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય, તો કલમ ૧૦૬(૧) અંતર્ગત પાંચ વર્ષ સુધીની કેદ અને દંડની કડક જોગવાઈ છે. આ ઉપરાંત મોટર વાહન અધિનિયમની કલમ ૧૩૪ મુજબ, દુર્ઘટના સર્જાય ત્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક તબીબી સારવાર આપવા હોસ્પિટલ પહોંચાડવી અને ૨૪ કલાકની અંદર નજીકના પોલીસ મથકે બનાવની જાણ કરવી વાહનચાલકની કાનૂની ફરજ બને છે.
