આજના ટેકનોલોજી યુગમાં જ્યારે માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ દ્વારા લેઓફ કરવામાં આવી રહી છે, ત્યારે નોકરીની ચિંતા કરતા યુવા વર્ગ માટે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું મોટું નિવેદન સામે આવ્યું છે. સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે એમબીએ ગ્રેજ્યુએટ્સને ખાસ સલાહ આપી છે કે તેઓ વર્ષો જૂના અને જાણીતા કેરિયર પાથને અનુસરવાને બદલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ઊભી થઈ રહેલી નવી તકો પર ધ્યાન આપે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે એઆઈ ભવિષ્યમાં માનવીય કામો વધુ ઝડપથી અને સસ્તામાં કરી શકશે, તેથી યુવાનોએ રૂઢિચુસ્ત કોર્પોરેટ નોકરીઓથી આગળ વધીને વિચારવું જોઈએ.
સેમ ઓલ્ટમેને એમબીએ વિદ્યાર્થીઓ પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ હંમેશા એવા ક્ષેત્રોમાં જવા માંગે છે જે 5 વર્ષ પહેલાં લોકપ્રિય હતા, પરંતુ તેમણે હવે નવું અને કંઈક અલગ ટ્રાય કરવું જોઈએ. આજના સમયમાં એઆઈ માત્ર નોકરીઓ માટે ખતરો નથી, પણ તે સાહસિકો અને પ્રોફેશનલ્સ માટે નવા રસ્તા પણ ખોલી રહ્યું છે. જે કામો માટે અગાઉ મોટી ટીમની જરૂર પડતી હતી, તે હવે એઆઈ ટૂલ્સની મદદથી નાની ટીમ દ્વારા પણ થઈ શકે છે. ઓલ્ટમેને કહ્યું કે એઆઈ ટેકનોલોજીના પ્લેટફોર્મ પર એવી ઘણી નવી કંપનીઓ બની શકે છે જે કદાચ આજે ઓપનએઆઈ કરતા પણ ઘણી મોટી સાબિત થઈ શકે છે.
બદલાતા સમય સાથે કેરિયરની શરૂઆત કરનારા યુવાનો માટે આ સૌથી ઉત્તમ સમય છે કારણ કે આ સમયમાં મેદાન ખુલ્લું હોય છે અને જૂની પદ્ધતિઓ પર આધાર રાખતી મોટી કંપનીઓની મોનોપોલી ઘટે છે. એમબીએ ગ્રેજ્યુએટ્સ પોતાની ફાઇનાન્સ, માર્કેટિંગ કે ઓપરેશન્સની કુશળતાને એઆઈ સાથે જોડીને નવા બિઝનેસ મોડેલ વિકસાવી શકે છે. જો કે, સેમ ઓલ્ટમેને ચેતવણી પણ આપી છે કે માત્ર અંધાધૂંધ નવા ટ્રેન્ડ પાછળ દોડવાને બદલે ગ્રાહકોની જરૂરિયાતો સમજીને ટકાઉ અને વાસ્તવિક બિઝનેસ ઊભા કરવા પર ધ્યાન આપવું જોઈએ જેથી આ બદલાતા માહોલમાં લાંબા સમય સુધી ટકી શકાય.
