શનિવારે રાત્રે જર્સી શોર્ડની કોઈ બારમાં ઓયસ્ટરની મજા માણતી વખતે જો તમે ખાલી શેલ પ્લેટમાં મૂકતા હોવ, તો વિચારજો કે આ નાની વસ્તુ પણ પર્યાવરણ માટે મોટું કામ કરી શકે છે. ન્યૂ જર્સીમાં સીફૂડના વેસ્ટમાંથી શેલ રિસાયકલ કરીને દરિયાઈ જીવસૃષ્ટિને પુનઃજીવિત કરવાનો એક શાનદાર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેને ધારણા કરતાં પણ શાનદાર સફળતા મળી છે. NOAA ઓફિસ ફોર કોસ્ટલ મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ, મુલિકા રિવર એશ્ચુઅરી વિસ્તારમાં 8 એકરમાં ફેલાયેલા ઓયસ્ટર રીફને પાછા લાવવા માટે 26087 બુશેલ રિસાયકલ કરેલા શેલ પથરાયા છે. આ અનોખી પહેલ પાછળનો હેતુ ગત સદીમાં શહેરીકરણ અને માનવ હસ્તક્ષેપને કારણે નષ્ટ થયેલી દરિયાઈ ઇકોસિસ્ટમને ફરી બેઠી કરવાનો છે.
આ પ્રોજેક્ટની સફળતા પાછળ મોટી મહેનત અને આયોજન જોડાયેલું છે, જેમાં એટલાન્ટિક, કેપ મે અને ઓશન કાઉન્ટીની રેસ્ટોરન્ટ્સમાંથી ઓયસ્ટર અને ક્લેમ્સના શેલ ખાસ એકઠા કરવામાં આવે છે. ન્યૂ જર્સી ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન દ્વારા આ શેલ્સને સાફ કરીને સૂર્યના તાપમાં સૂકવવામાં આવે છે અને પછી હાઇ-પ્રેશર વોટર જેટની મદદથી તેને મુલિકા રિવરના પાણીમાં છોડવામાં આવે છે. બેબી ઓયસ્ટર્સ અથવા સ્પેટને જીવિત રહેવા માટે એક મજબૂત સબસ્ટ્રેટની જરૂર પડે છે, જે આ શેલ્સ દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ વર્ષ 2019માં એટલાન્ટિક સિટીની હોર્ડ રોક હોટેલ એન્ડ કેસિનો સાથે શરૂ થયેલી આ સફર આજે 20 થી વધુ રેસ્ટોરન્ટ્સ અને 1.2 મિલિયન ડોલરની ફેડરલ ફંડિંગ સાથે અનેક કાઉન્ટી સુધી વિસ્તરી ચૂકી છે.
એક સમય હતો જ્યારે અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર ઓયસ્ટર્સ મોટી સંખ્યામાં જોવા મળતા હતા, પરંતુ ઓવર હાર્વેસ્ટીંગ અને રોગોને કારણે દુનિયાના 85 ટકા ઓયસ્ટર રીફ નાશ પામ્યા છે. મુલિકા રિવરનું આ રીફ ન્યૂ જર્સીના એટલાન્ટિક કોસ્ટ પર બચેલા ખૂબ જ ઓછા સેલ્ફ-સસ્ટેનિંગ વાઇલ્ડ ઓયસ્ટર પોપ્યુલેશનમાં સામેલ છે, જે કુદરતી રીતે પાણી ફિલ્ટર કરવા અને તોફાન સામે રક્ષણ આપવા જેવી સેવાઓ આપે છે. ન્યૂ જર્સીની જેમ ન્યૂ યોર્કમાં પણ બિલિયન ઓયસ્ટર પ્રોજેક્ટ દ્વારા આવા જ પ્રયાસો થઈ રહ્યા છે અને હવે ન્યૂ જર્સીની સરકારે આ જ ગ્રાન્ટની મદદથી મુલિકા રિવરમાં વધુ 10 એકર રીફ જોડવાનું નવું લક્ષ્ય રાખ્યું છે.
