આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન જીવનશૈલીનું અભિન્ન અંગ બની ગયો છે, પરંતુ સ્ક્રીન પર કલાકો સુધી આંગળીઓ અને અંગૂઠો સતત ફેરવવાની ઘેલછા હવે યુવા પેઢી માટે ગંભીર શારીરિક બીમારીઓ નોતરી રહી છે. તબીબી નિષ્ણાતોના મતે દિવસભર ચેટિંગ, ગેમિંગ અને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ કરવાને કારણે હાથની આંગળીઓ, હથેળી તથા કાંડાના સ્નાયુઓ પર અસાધારણ તણાવ પેદા થઈ રહ્યો છે. ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીના તબીબોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ૧૫ થી ૩૫ વર્ષની વયના યુવાનોમાં સ્નાયુઓની જકડન, આંગળીઓ લોક થઈ જવી અને કાંડાની નસ દબાઈ જવાના કિસ્સાઓમાં ૩૫ ટકાથી વધુનો ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.
તબીબોના તારણ મુજબ માનવ શરીરની કુદરતી રચના દિવસભર આંગળીઓને એક જ દિશામાં ઝડપથી ફેરવવા માટે સક્ષમ નથી. માત્ર અંગૂઠાથી સતત ટાઈપ કરવાથી સાંધા વચ્ચેનું રક્ષણાત્મક સ્તર ઘસાય છે અને તીવ્ર સોજો આવી જાય છે, જેના કારણે આંગળીઓ વાંકી વળી જવાનું જોખમ રહે છે. આ ઉપરાંત લાંબા સમય સુધી કોણી વાળીને મોબાઈલ પકડી રાખવાથી અલ્નર નર્વ પર સતત દબાણ આવે છે. તેના પરિણામે છેલ્લી બે આંગળીઓમાં કળતર, ખાલી ચડી જવી અને પકડ નબળી પડવા જેવી વ્યાધિઓ સર્જાય છે. જો સમયસર આ ટેવ સુધારવામાં ન આવે તો નાની વયે જ આંગળીઓમાં સંધિવા થઈ શકે છે તેમજ ભવિષ્યમાં નસની જટિલ સર્જરી કરાવવાની નોબત આવી શકે છે.
ગુજરાતમાં અંદાજે સાડા પાંચ કરોડથી વધુ સક્રિય ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે, જેમાંથી નેવું ટકાથી વધુ લોકો કમ્પ્યુટરના સ્થાને સ્માર્ટફોન દ્વારા જ વિવિધ ડિજિટલ માધ્યમો વાપરે છે. આમાં સૌથી મોટો હિસ્સો યુવાનોનો છે, જેમના સ્વાસ્થ્ય પર હવે ગંભીર અસર વર્તાઈ રહી છે. તાજેતરમાં દિવસમાં બાર કલાક સુધી મોબાઈલ વાપરતા એક ૨૬ વર્ષીય યુવાનનો અંગૂઠો સંપૂર્ણ લોક થઈ ગયો હતો, જ્યારે એક યુવતી સ્માર્ટફોનનો ભાર ટચલી આંગળી પર ટેકવતી હોવાથી તેની આંગળીનો સાંધો કાયમી ધોરણે વાંકો વળી ગયો હતો. આ વધતા કેસો યુવાધન માટે લાલબત્તી સમાન છે અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો હવે અનિવાર્ય બન્યો છે.
