મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા હિંસક તણાવ અને સુરક્ષાના ગંભીર જોખમોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ ઈરાન દ્વારા વિદેશોમાં રહેતા અમેરિકી નાગરિકો અને રાજદ્વારી અધિકારીઓને નિશાન બનાવવાની યોજના હવે અંતિમ તરણમાં પહોંચી ચૂકી છે. આ ખતરનાક ધમકીઓને પગલે અમેરિકાએ જોર્ડન, લેબનોન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત સ્થિત પોતાના રાજદ્વારોમાં સ્ટાફની સંખ્યામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે સાઉદી અરેબિયામાંથી પણ બિનજરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અમેરિકી ગુપ્તચર એજન્સીના વડા દ્વારા સ્ટેટ સેક્રેટરીને મોકલવામાં આવેલા એક મહત્વપૂર્ણ મેમોમાં ખુલાસો થયો છે કે ઈરાન તરફથી અમેરિકી નાગરિકોને ખતમ કરવાના જીવલેણ પ્રયાસો મધ્ય પૂર્વ તેમજ અન્ય કેટલાક દેશોમાં ખૂબ જ આગળ વધી ગયા છે. આ અહેવાલ સામે આવ્યા બાદ વોશિંગ્ટન પ્રશાસનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના વિસ્તારો પર સતત થઈ રહેલા મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. આ હુમલાઓ પાછળ પણ ઈરાનનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વર્તમાન પરિસ્થિતિને જોતાં પ્રભાવિત દેશોમાં આવેલી અમેરિકી દૂતાવાસ સંસ્થાઓ હવે સખત પ્રતિબંધો સાથે કામ કરશે. જો કે, રાજદ્વારી મિશન સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા નથી પરંતુ તકેદારીના ભાગરૂપે તમામ હિલચાલ પર કડી નજર રાખવામાં આવી રહી છે. અમેરિકી વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે વિદેશોમાં આપણા કર્મચારીઓની સુરક્ષા સર્વોપરી છે અને સુરક્ષા વાતાવરણમાં થતા ફેરફારોના આધારે સમયાંતરે યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. બીજી તરફ, ઈરાન સાથેના સંબંધોમાં ચાલી રહેલા અવરોધો અને ક્ષેત્રીય સંઘર્ષની વચ્ચે અમેરિકા દ્વારા આગામી દિવસોમાં કયા પગલાં ભરવામાં આવશે તેના પર આખી દુનિયાની નજર ટકેલી છે.
