આજે દુનિયાભરમાં પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમો સામાન્ય બની ગયા છે, પરંતુ મોટાભાગના લોકો ક્યારેય એ સવાલ નથી પૂછતા કે કઈ પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ જ સવાલના જવાબ મેળવવા માટે અમેરિકાના મેરીલેન્ડ સ્થિત સ્મિથસોનિયન એનવાયર્નમેન્ટલ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી એક મોટો અભ્યાસ હાથ ધર્યો હતો. આ સંશોધનમાં એ વાત સામે આવી છે કે જે જંગલોમાં વિવિધ પ્રકારના વૃક્ષોની પ્રજાતિઓ એકસાથે ઉગાડવામાં આવે છે, તે સિંગલ-સ્પિસીઝ એટલે કે એક જ પ્રકારના વૃક્ષો ધરાવતા જંગલોની સરખામણીમાં ઘણી ઝડપથી વિકાસ પામે છે અને પર્યાવરણમાંથી કાર્બન સોષણ કરવાની તેમની ક્ષમતા પણ વધુ સારી હોય છે.
આ પ્રયોગ અંતર્ગત જોન પાર્કરની આગેવાની હેઠળ વૈજ્ઞાનિકો અને સ્વયંસેવકોએ મેરીલેન્ડના એજવોટર કેમ્પસમાં 60 એકર જમીન પર આવેલા 70 પ્લોટમાં આશરે 17850 રોપા રોપ્યા હતા. આ વૃક્ષોને 1, 4 કે 12 અલગ-અલગ પ્રજાતિના ભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ LIDAR ડેટાનો ઉપયોગ કરીને તપાસ કરી તો જાણવા મળ્યું કે મિશ્ર પ્રજાતિના વૃક્ષોની કેનોપી એટલે કે ઉપરની ડાળીઓની રચના વધુ જટિલ બને છે. અલગ-અલગ આકારની ડાળીઓ એકસાથે ગોઠવાવાથી સૂર્યના પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય છે. સિંગલ-સ્પિસીઝ પ્લોટની સરખામણીમાં 12 પ્રજાતિવાળા પ્લોટમાં કેનોપીની જટિલતા અને પ્રોડક્ટિવિટીમાં અનુક્રમે 71 ટકા અને 73 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો, જે યુવાન જંગલોમાં ઝડપી વિકાસ માટે મુખ્ય કારણ સાબિત થયું છે.
જોકે, ટિમ્બર એટલે કે લાકડાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સિંગલ-સ્પિસીઝ જંગલો વધુ અનુકૂળ રહે છે કારણ કે તેમાં કટીંગ અને હાર્વેસ્ટિંગ સરળ બને છે, જેથી તેમને મિશ્ર જંગલો તરફ વાળવા થોડા મુશ્કેલ છે. પરંતુ આ નવા વૈજ્ઞાનિક પુરાવાઓથી ટિમ્બર ઈન્ડસ્ટ્રી પણ પોતાની પદ્ધતિ બદલવા વિચારી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ સંસ્થા કે ગ્રુપ વૃક્ષારોપણ કરે, ત્યારે તેમણે અચૂક પૂછવું જોઈએ કે કઈ પ્રજાતિના રોપા રોપાઈ રહ્યા છે, જેથી ઓછામાં ઓછી જગ્યામાં વધુ કાર્બન કેપ્ચર કરીને ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકાય.
