સાઉથ કોરિયાની સરકારે ગૂગલ અને એપલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓ સામે લાલ આંખ કરીને એપ સ્ટોર માર્કેટમાં પોતાની મોનોપોલીનો ગેરલાભ ઉઠાવવા બદલ મોટો દંડ ફટકાર્યો છે. સાઉથ કોરિયાના મીડિયા અને ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર દ્વારા વર્ષોની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને યુએસ ટેક જાયન્ટ્સ પર વર્ષ 2021ના કાયદાનું ઉલ્લંઘન કરવાનો ગંભીર આરોપ છે, જે કાયદો એપ સ્ટોર ઓપરેટર્સને ડેવલપર્સ પર ચોક્કસ પેમેન્ટ સિસ્ટમ જ વાપરવાનું દબાણ કરવાથી અટકાવે છે.
તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે ગૂગલ અને એપલ લોકલ એપ ડેવલપર્સને તેમની પોતાની ઇન-એપ પેમેન્ટ સિસ્ટમ વાપરવા માટે મજબૂર કરતા હતા અને બાહ્ય વેબસાઇટ્સ દ્વારા થતા પેમેન્ટ પર રોક લગાવતા હતા. રેગ્યુલેટરે ગૂગલ પર 42.9 અબજ વ્રો અને એપલ પર 20.8 અબજ વ્રોનો જંગી દંડ ફટકાર્યો છે. આ કંપનીઓ ટેકનિકલી થર્ડ પાર્ટી પેમેન્ટ સિસ્ટમની મંજૂરી આપતી હોવા છતાં 26% કમિશન વસૂલતી હતી અને પોતાની સિસ્ટમ જેવા ફીચર્સ બાહ્ય સિસ્ટમમાં ન આપીને અદ્યતન ભેદભાવ કરતી હતી. એટલું જ નહીં, એપલ પર 2015થી જાન્યુઆરી 2023 દરમિયાન સાઉથ કોરિયાના ડેવલપર્સ પાસેથી અન્ય દેશો કરતા વધુ કમિશન વસૂલવાનો પણ આરોપ છે.
આ કડક કાર્યવાહી બાદ હવે સાઉથ કોરિયાના રેગ્યુલેટરે બંને કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ લોકલ ડેવલપર્સને તેમની એપની અંદર જ એક્સટર્નલ પેમેન્ટ લિંક્સ વાપરવાની છૂટ આપે અને એપ રિવ્યુ કરવાની પ્રક્રિયામાં સુધારો કરે. સાઉથ કોરિયા વિદેશી ટેક કંપનીઓની બિઝનેસ પ્રેક્ટિસ પર લાંબા સમયથી બાજ નજર રાખી રહ્યું છે અને 2021માં આવો કડક કાયદો બનાવનાર તે દુનિયાનો પહેલો દેશ બન્યો હતો. આગામી સમયમાં આ આદેશના અમલીકરણથી એપ ડેવલપર્સને મોટી રાહત મળશે અને ગ્લોબલ લેવલે પણ ટેક કંપનીઓની મનમાની પર લગામ કસાઈ શકે છે.
