દેશની સૌથી મોટી આઈવીએફ હોસ્પિટલ ચેન ગણાતી ઈન્દિરા આઈવીએફ દ્વારા હેલ્થકેર માર્કેટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વીડિશ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ EQT પાર્ટનર્સ સમર્થિત ઈન્દિરા આઈવીએફ સીટી પાર્ટનર્સની માલિકીની સબીન હોસ્પિટલમાં 70 થી 75 ટકા સુધીનો સ્ટેક ખરીદવા માટે ગંભીર ચર્ચા કરી રહી છે. આ ડીલ અંતર્ગત ફાઉન્ડર પાસેથી પણ વધારાનો સ્ટેક ખરીદવામાં આવી શકે છે, જ્યારે સીટી પાર્ટનર્સના એક્ઝિટ પ્લાન માટે O3 કેપિટલ સલાહકાર તરીકે કામ કરી રહી છે. અગાઉ 2024માં સીટી પાર્ટનર્સે સબીનમાં અંદાજે 54 ટકા સ્ટેક $100 મિલિયન એટલે કે આશરે ₹835 કરોડની વેલ્યુએશન પર ખરીદ્યો હતો.
વર્ષ 2010માં ડૉ. સબીન સિવદાસન દ્વારા સ્થપાયેલી સબીન હોસ્પિટલ કેરળમાં ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, મધર એન્ડ ચાઇલ્ડ કેર અને ગાયનેકોલોજી સેવાઓ આપે છે. કેરળમાં આ હોસ્પિટલની 2 બેસિલિટીઝ કાર્યરત છે જેમાં કુલ 300 બેડની ક્ષમતા છે અને તેમાં 60 નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે NICU બેડ પણ સામેલ છે. આ ચેન વાર્ષિક 6000થી વધુ આઈવીએફ સાયકલ અને 3000 ડિલિવરી કરે છે. નાણાકીય વર્ષ 2027માં સબીન હોસ્પિટલનું રેવન્યુ ₹230 થી ₹250 કરોડ અને EBITDA ₹70 થી ₹80 કરોડ રહેવાની ધારણા છે. કેરળમાં ઘટી રહેલા ફર્ટિલિટી રેટને કારણે રાષ્ટ્રીય સ્તરની આઈવીએફ ચેઈનનું આ રાજ્ય તરફ આકર્ષણ સતત વધી રહ્યું છે.
બીજી તરફ, આગામી સમયમાં ₹3500 કરોડનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહેલી ઈન્દિરા આઈવીએફ છેલ્લા કેટલાક સમયથી સતત એક્વિઝિશન કરી રહી છે. કંપનીએ અગાઉ એપ્રિલમાં કોલકાતાની આભા સર્જી હેલ્થકેર, સપ્ટેમ્બરમાં સૃષ્ટિ હોસ્પિટલ અને જૂન 2025માં ગુજરાતમાં બેન્કર આઈવીએફને ખરીદી હતી. સ્પર્ધાની વાત કરીએ તો, દેશની બીજી સૌથી મોટી આઈવીએફ ચેન નોવા આઈવીએફ ફર્ટિલિટીએ પણ ₹370 કરોડની વેલ્યુએશન પર ક્રાફ્ટ ફર્ટિલિટીમાં મેજોરિટી સ્ટેક ખરીદીને કેરળના માર્કેટમાં એન્ટ્રી કરી લીધી છે. ડૉ. અજય મુર્દિયા દ્વારા 1988માં સ્થપાયેલી ઈન્દિરા આઈવીએફ આજે દેશભરમાં 200 સેન્ટર્સનું નેટવર્ક ધરાવે છે અને અત્યાર સુધીમાં 2,00,000 થી વધુ સફળ પ્રેગ્નેન્સીમાં મદદ કરી ચૂકી છે.
