JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

TVS ફેમિલીમાં પ્રોપર્ટી અને બિઝનેસ વિવાદ વધ્યો, વેણુ શ્રીનિવાસન અને પુત્રી લક્ષ્મીએ કોર્ટમાં કેવિયટ દાખલ કરી

Oct 28, 2026 | 01:25 | By JAMNAGAR MIRROR
TVS ફેમિલીમાં પ્રોપર્ટી અને બિઝનેસ વિવાદ વધ્યો, વેણુ શ્રીનિવાસન અને પુત્રી લક્ષ્મીએ કોર્ટમાં કેવિયટ દાખલ કરી
ચેન્નઈના દિગ્ગજ બિઝનેસ પરિવાર TVS ગ્રુપમાં ઉત્તરાધિકારી અને સંપત્તિના વિવાદને લઈને કાનૂની લડાઈના એંધાણ વર્તાયા છે. ચેરમેન એમિરિટસ વેણુ શ્રીનિવાસન અને તેમની પુત્રી લક્ષ્મી વેણુએ એકબીજા સામે કોર્ટમાં કેવિયટ અરજીઓ દાખલ કરી છે. આ મામલે કૌટુંબિક સમજૂતી અને હિસ્સાને લઈને ખેંચતાણ ચાલી રહી છે.

ચેન્નઈ અને મુંબઈમાં ચર્ચાનો વિષય બનેલા TVS મોટર કંપનીના પરિવારમાં વારસાગત સંપત્તિ અને બિઝનેસના વહીવટને લઈને મતભેદો બહાર આવ્યા છે. આ મામલે કંપનીના ચેરમેન એમિરિટસ વેણુ શ્રીનિવાસન અને તેમની પુત્રી લક્ષ્મી વેણુએ સંભવિત કાનૂની લડાઈ સામે અગાઉથી જ કવચ મેળવવા માટે એકબીજા સામે કેવિયટ અરજીઓ દાખલ કરી છે. આ મહિનાની શરૂઆતમાં એટલે કે 12 અને 13 ઓક્ટોબરના રોજ ચેન્નઈની સિવિલ અને કોમર્શિયલ કોર્ટમાં કુલ 8 કેવિયટ ફાઇલ કરવામાં આવી છે, જેમાં બંને પક્ષો તરફથી ચાર-ચાર અરજીઓ થઈ છે. આ વિવાદને કારણે પરિવાર હવે સ્પષ્ટપણે બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં વેણુ શ્રીનિવાસને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં પણ કેવિયટ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ કાનૂની ખેંચતાણમાં વેણુ શ્રીનિવાસન અને તેમના પુત્ર સુદર્શન વેણુ એક પક્ષે છે અને તેમણે લક્ષ્મી વેણુ સામે કેવિયટ કરી છે, જ્યારે બીજા પક્ષે વેણુના પત્ની મલ્લિકા શ્રીનિવાસન અને પુત્રી લક્ષ્મી વેણુએ વેણુ શ્રીનિવાસન સામે અરજીઓ નોંધાવી છે. કાનૂની નિષ્ણાતોના મતે સિવિલ પ્રોસિજર કોડની કલમ 148A હેઠળ કેવિયટ દાખલ કરવાનો અર્થ એ થાય છે કે કોર્ટમાં સામેવાળા પક્ષને સાંભળ્યા વગર કોઈ એકરફી કે સરપ્રાઈઝ ઓર્ડર પાસ થઈ શકે નહીં. લક્ષ્મી વેણુ અને મલ્લિકા શ્રીનિવાસન સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે માર્ચ 2024માં થયેલી સમજૂતીને કોઈ આર્થિક કે પારિવારિક સંપત્તિનું અંતિમ સેટલમેન્ટ માની શકાય નહીં, કારણ કે તેમાં માત્ર બ્રાન્ડ યુઝ, ટ્રેડમાર્ક અને નોન-કમ્પીટ ઓબ્લિગેશન જેવા મુદ્દા જ સામેલ હતા.

એક તરફ વેણુ શ્રીનિવાસન અને સુદર્શન વેણુનો દાવો છે કે વર્ષ 2024માં જ એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) હેઠળ પારિવારિક સમાધાન થઈ ચૂક્યું છે, તો બીજી તરફ લક્ષ્મી વેણુ બિઝનેસના હિસ્સા માટે ફેર સેટલમેન્ટની માંગ કરી રહ્યા છે. આ અગાઉ 9 ઓક્ટોબરે સામે આવેલા અહેવાલો મુજબ પરિવારમાં વારસાઈને લઈને મતભેદો ચાલી જ રહ્યા છે. જોકે, આ બધા વિવાદો વચ્ચે મલ્લિકા શ્રીનિવાસન અને લક્ષ્મી વેણુએ પારદર્શક વાતચીત દ્વારા આ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જાય તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જ્યારે મંગળવાર સુધી વેણુ શ્રીનિવાસન કે સુદર્શન વેણુ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

LATEST ARTICLES