અમેરિકન રાજકારણમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે, કારણ કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈએ પૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસમેન એરિક સ્વાલવેલ સામે ચાલી રહેલી તપાસના ભાગરૂપે તેમના અબજોપતિ ડોનર સ્ટીવન ક્લુબૅકના બેવર્લી હિલ્સ સ્થિત ભવ્ય મેન્શન પર દરોડા પાડ્યા છે. એજન્ટો દ્વારા આ ઘરમાં વેશ્યાવૃત્તિ સાથે સંબંધિત ઇલેક્ટ્રોનિક ડિવાઈસિસ અને રેકોર્ડ્સની શોધખોળ કરવામાં આવી હતી. આ એ જ ઘર છે જ્યાં એપ્રિલ મહિનામાં પદ છોડતા પહેલા એરિક સ્વાલવેલ રોકાયા હતા. જો કે, આ તમામ ગંભીર આરોપો વચ્ચે એરિક સ્વાલવેલે પોતાના પર લાગેલા ફોજદારી ગુનાના દાવાઓને નકારી કાઢ્યા છે.
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલા સ્ટીવન ક્લુબૅક પ્રખ્યાત ડાયમંડ રિસોર્ટ્સ ઇન્ટરનેશનલ ટાઇમશેર કંપનીના ફાઉન્ડર છે અને તેમણે ગયા વર્ષે કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણી પણ લડી હતી. ફેડરલ કેમ્પેઈન ફાઇનાન્સ રેકોર્ડ્સ મુજબ તેમણે 2017થી અત્યાર સુધીમાં એરિક સ્વાલવેલના કોંગ્રેસના કેમ્પેઈનમાં 23000 ડૉલરથી વધુનું ફંડ આપ્યું હતું. પરંતુ એપ્રિલમાં સ્વાલવેલ સામે આરોપો વધતા ક્લુબૅકે તેમની સાથેના સંબંધો તોડી દીધા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ મહિલાઓના અધિકારોનું સમર્થન કરે છે અને મહિલાઓનો લાભ લેનારા વ્યક્તિ સાથે હવે કોઈ સંબંધ નથી. જો કે, ક્લુબૅક પોતે પણ વિવાદોમાં રહ્યા છે કારણ કે ગત મે મહિનામાં તેમને એક અન્ય કેસમાં સાક્ષીને ડરાવવા-ધમકાવવાના આરોપસર ચાર્જ કરવામાં આવ્યા છે અને ઓગસ્ટમાં ઓનલાઇન પ્લેટફોર્મ કલશીએ પણ તેમને અસ્થાયી રૂપે બેન કર્યા હતા.
આ તપાસનો ધમધમાટ માત્ર ક્લુબૅક પૂરતો મર્યાદિત નથી, પરંતુ એરિક સ્વાલવેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહિલાએ તેમની સામે બે વખત યૌન શોષણ કરવાનો આરોપ મૂક્યા બાદ આ કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત અન્ય ત્રણ મહિલાઓએ પણ સ્વાલવેલ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ મોકલવાના અને ન્યૂડ ફોટો મોકલવાના આરોપો લગાવ્યા છે, જ્યારે એક મહિલાએ 2018માં હોટેલમાં ડ્રગ્સ આપીને રેપ કર્યાનો ગંભીર આરોપ મૂક્યો છે. એટલું જ નહીં, મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલવિન બ્રાગની ઓફિસ અને લોસ એન્જલસના પ્રોસિક્યુટર્સ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. અગાઉ ઓગસ્ટમાં ફેડરલ એજન્ટોએ સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પરથી સ્વાલવેલના ઇલેક્ટ્રોનિક ડિવાઈસિસ પણ જપ્ત કર્યા હતા, જેના કારણે આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.
