દિલ્હીમાં ખેતીની જમીનની ખરીદી અને વેચાણ ટૂંક સમયમાં મોંઘું સાબિત થઈ શકે છે કારણ કે સરકારે પૂરા ૧૮ વર્ષ પછી સર્કલ રેટમાં મોટો ફેરફાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. આ મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે ઉચ્ચ સ્તરીય સમીક્ષાઓ થઈ ચૂકી છે અને ગત અઠવાડિયે જ યુનિયન મિનિટે્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તથા દિલ્હી સરકાર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ અગાઉ સરકાર દ્વારા 01 ઓક્ટોબર, 2025ના રોજ નોટિસ બહાર પાડીને પબ્લિક કન્સલ્ટેશન પણ કરવામાં આવ્યું હતું અને ડિવિઝનલ કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવી દેવામાં આવી હતી, જેથી જમીનના વર્તમાન વેલ્યુએશનમાં રહેલી ખામીઓ દૂર કરી શકાય અને માસ્ટર પ્લાન ફોર દિલ્હી-2047 હેઠળ રીડેવલપમેન્ટના રસ્તા ખૂલી શકે.
સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ ખેતીની જમીનના સર્કલ રેટ 2008 પછી પહેલીવાર વધારાઈ રહ્યા છે, જેમાં સાઉથ અને ન્યૂ દિલ્હી જિલ્લાઓમાં સૌથી વધુ પ્રતિ એકર 5 કરોડ રૂપિયા સર્કલ રેટ પ્રસ્તાવિત કરાયો છે. આ ઉપરાંત નોર્થ, વેસ્ટ અને નોર્થ-વેસ્ટ દિલ્હીમાં પ્રતિ એકર 3 કરોડ, સેન્ટ્રલ દિલ્હીમાં 2.5 કરોડ તેમજ શાહદરા, નોર્થ-ઈસ્ટ અને ઈસ્ટ દિલ્હીમાં 2.25 કરોડ રૂપિયા સુધીનો દર સૂચવાયો છે. સાઉથ-વેસ્ટ દિલ્હી માટે આ દર વધારીને 3.5 કરોડ અને સાઉથ-ઈસ્ટ દિલ્હી માટે 3 કરોડ રૂપિયા પ્રતિ એકર કરાયો છે, જ્યારે નદીકાંઠાના વિસ્તારોના રેટ 17.6 લાખ રૂપિયા પ્રતિ એકર અને અત્યાર સુધીનો બેઝિક રેટ 53 લાખ રૂપિયા પ્રતિ એકર હતો. જોકે બજારમાં જમીનના અસલી વ્યાપારી સોદાઓ 2 કરોડથી લઈને 15 કરોડ રૂપિયા પ્રતિ એકર સુધીના ઊંચા ભાવે થઈ રહ્યા છે.
આ પ્રસ્તાવિત ફેરફારો સામે દિલ્હી પંચાયત સંઘે વિરોધ નોંધાવતા ખેતીની જમીનનો સર્કલ રેટ સીધો પ્રતિ એકર 10 કરોડ રૂપિયા કરવાની માંગણી કરી છે. ખેડૂત સંગઠને નવી રેટ સિસ્ટમ લાગુ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની જમીન અધિગ્રહણ ન કરવાની પણ ચીમકી આપી છે. દિવાળી પહેલા જ આ નવા સર્કલ રેટની જાહેરાત કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, જેના કારણે હવે આગામી દિવસોમાં દિલ્હીની રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.
