મહારાષ્ટ્રમાં લોન વસૂલાતના નામે અન્નદાતાઓને હેરાન કરતી માઈક્રોફાઈનાન્સ કંપનીઓ સામે સરકારે સકંજો કસી લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો કોઈ પણ કંપની લોનના પૈસા પાછા મેળવવા માટે ખેડૂતોને ધમકાવશે કે જબરદસ્તી કરશે, તો પોલીસ તુરંત જ કંપનીના ટોપ ઓધિકારીઓ સામે એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી કરશે. સરકારના આ કડક વલણથી લોન વસૂલવાના નામે દાદાગીરી કરતી નાણાકીય સંસ્થાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને આરબીઆઈને પણ આ મામલે યોગ્ય પગલાં લેવા જણાવાયું છે.
આ લાલ આંખ કરવા પાછળ નાંદેડમાં બનેલી એક કમનસીબ ઘટના જવાબદાર છે, જ્યાં માત્ર 10,000 રૂપિયાનું દેવું ચૂકવવા બાબતે એક ખેડૂતનો મૃતદેહ માઈક્રોફાઈનાન્સ કંપનીની ઓફિસમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, કંપનીના માણસો ગત અઠવાડિયે તે ખેડૂતને તેના ઘરેથી બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને બાદમાં શનિવારે તેનો મૃતદેહ કંપનીની ઓફિસના સીલિંગ ફેન પર લટકેલો જોવા મળ્યો હતો. પરિવારજનોએ આ મામલે અપહરણ અને હત્યાનો ગંભીર આરોપ લગાવતા પોલીસ કેસ નોંધાવ્યો છે અને દાવો કર્યો છે કે કંપનીએ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે.
આ ઘટના બાદ મુખ્યમંત્રીએ રાજ્યભરના તમામ એસપીને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે ખેડૂતો પર ત્રાસ ગુજારતી કંપનીઓ સામે જરાય ઢીલું વલણ રાખવામાં ન આવે. સરકારે આ મામલે કડક નીતિ અપનાવીને ખાતરી આપી છે કે ખેડૂતોની સુરક્ષા સાથે કોઈ છેડછાડ સાંખી લેવામાં નહીં આવે. આગામી સમયમાં આવી મનમાની કરતી કંપનીઓ પર લગામ કસવા માટે રાજ્ય પ્રશાસન વધુ સઘન પગલાં લેવા માટે પણ તૈયાર છે.
