બનાસકાંઠા જિલ્લામાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકો સરકારની કડક નીતિઓ અને શાળાઓની વહીવટી પ્રક્રિયામાં વધતી દખલગીરી સામે એક મંચ પર આવ્યા છે. પાલનપુર ખાતે બનાસકાંઠા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નેજા હેઠળ યોજાયેલી ખાસ બેઠકમાં જિલ્લાભરમાંથી સોથી વધુ શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સરકાર દ્વારા સમયાંતરે લાદવામાં આવતા અટપટા નિયમો અને શાળા સંચાલનમાં ઊભી થતી મુશ્કેલીઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી તથા વહીવટી તંત્રના વલણ સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બેઠકમાં સંચાલકોએ જણાવ્યું હતું કે ખાનગી શાળાઓ સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય લીધા વિના પોતાના ખર્ચે લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપી રહી છે અને હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે. તેમ છતાં શાળાઓને સહયોગ આપવાને બદલે અવારનવાર નવા પરિપત્રો જાહેર કરીને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના આધાર અને શિક્ષણ પોર્ટલ સંબંધિત ડેટા વારંવાર ભરવાની પ્રક્રિયાના કારણે શિક્ષકો શિક્ષણકાર્ય છોડીને કાગળકામમાં વ્યસ્ત રહે છે. આ ઉપરાંત શિક્ષકો તથા આચાર્યોની ભરતીમાં વધતી સરકારી દખલગીરી અને મફત શિક્ષણ અધિકાર કાયદા હેઠળ પ્રવેશ મેળવતા બાળકોની ફી મંજૂરી તેમજ ચૂકવણીના પ્રશ્નો અંગે પણ સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ શાળા સંચાલક મંડળ દ્વારા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરને આવેદનપત્ર પાઠવી તમામ પ્રશ્નોના ત્વરિત અને યોગ્ય ઉકેલની માંગ કરવામાં આવી હતી. સંચાલકોએ આ સાથે ખુલ્લી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી સમયમાં શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરીને ઉગ્ર રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે.
