JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

વીજ ગ્રાહકોને મોટો ઝટકો: યુનિટદીઠ બેઝ ચાર્જ અને સરચાર્જ વધવાથી માસિક બિલમાં થશે વધારો

Oct 24, 2026 | 11:51 | By JAMNAGAR MIRROR
વીજ ગ્રાહકોને મોટો ઝટકો: યુનિટદીઠ બેઝ ચાર્જ અને સરચાર્જ વધવાથી માસિક બિલમાં થશે વધારો

ગુજરાતમાં સરકારી વીજ કંપનીના જોડાણ ધરાવતા લાખો વીજ ગ્રાહકોના માસિક બિલમાં વધારો થવાની પૂરી સંભાવના છે, કારણ કે વીજ બિલમાં ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (એફપીપીએએસ) ના નવા દર લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવા નિર્ણયો અનુસાર ગ્રાહકો પર હવે બેવડો આર્થિક બોજ આવી ગયો છે, જેમાં યુનિટદીઠ રૂ. 2.45 નો બેઝ ચાર્જ અને તેની સાથે 3.99 ટકાનો વેરીએબલ સરચાર્જ સામેલ છે. અગાઉના સમયગાળામાં આ બેઝ ચાર્જ ઓછો હતો અને વેરીએબલ સરચાર્જ શૂન્ય હતો, જેના કારણે હવે સામાન્ય જનતાના ખિસ્સા પર વધારાનો બોજ પડવા લાગ્યો છે.

વીજળીના આ નવા દરોની સીધી અસર રહેણાક મકાનો, વ્યાપારી દુકાનો, ઓફિસો અને મોટા કારખાનાંઓ સહિતના તમામ વીજ જોડાણો પર પડવાની છે. જોકે, રાહતની વાત એટલી છે કે ખેતીવાડી વીજ જોડાણોને આ વધારામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. ગ્રાહકો દ્વારા જેટલો વધુ વીજ વપરાશ કરવામાં આવશે, તેટલી જ વધુ રકમ વધારાના રૂપમાં ચૂકવવી પડશે. અંદાજ મુજબ સો યુનિટથી લઈને હજારો યુનિટ સુધી વીજળી વાપરતા ગ્રાહકોએ માસિક બિલમાં મોટી રકમ ચૂકવવી પડશે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

આ નવા દરોની ગણતરી ગત જુલાઈ મહિનાથી જ કરવામાં આવનાર હોવાથી, નાગરિકોને હવે નિયમિત બિલની સાથેસાથે અગાઉના મહિનાઓના તફાવતની બાકી નીકળતી વધારાની રકમ પણ ચૂકવવી પડશે. આ ગંભીર મુદ્દાને લઈને રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર પાસે વીજ દરોના આ વધારા અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. કોલસા અને ગેસ સહિતના વીજ ઉત્પાદન ખર્ચ તેમજ તેની ગણતરીની પારદર્શક પદ્ધતિ અંગે સવાલો ઉઠાવીને સરકારે આ મામલે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માગ જોર પકડી રહી છે.

LATEST ARTICLES