JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં કચરા કલેક્શનનું બિલ અઢી કરોડથી વધીને સીધું 5 કરોડ પર પહોંચ્યું, છતાં રસ્તાઓ પર યથાવત કચરાના ઢગલા

Oct 27, 2026 | 16:52 | By JAMNAGAR MIRROR
જામનગરમાં કચરા કલેક્શનનું બિલ અઢી કરોડથી વધીને સીધું 5 કરોડ પર પહોંચ્યું, છતાં રસ્તાઓ પર યથાવત કચરાના ઢગલા
જામનગર મનપા દ્વારા સફાઈ પાછળ દર મહિને 10 થી 12 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરની વસ્તી અને વિસ્તારમાં કોઈ મોટો ફેરફાર નથી થયો છતાં કચરા કલેક્શનનું માસિક બિલ અઢી કરોડથી વધીને સીધું 5 કરોડ થઈ ગયું છે. આટલા તોતિંગ ખર્ચ છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં નિયમિત કચરા ગાડી આવતી નથી અને લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે.

જામનગર શહેરમાં સાફ-સફાઈ અને કચરા હટાવવા પાછળ મનપા દ્વારા દર મહિને કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં જમીની હકીકત બદલાતી નથી. હાલ મ્યુનિસિપલ કમિશનર દિપેશ કોડિયા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શહેરમાંથી ઉકરડા નાબૂદ કરવા અને જાહેરમાં કચરો ન ફેલાય તે માટે કચરા પેટીઓ પણ ઉપાડી લેવામાં આવી છે અને લોકોને ડોર-ટુ-ડોર કચરા ગાડીમાં જ કચરો નાખવાની સખત સૂચના અપાઈ છે. આમ છતાં અનેક વિસ્તારોમાં કચરા ગાડી નિયમિત ન આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

નગરમાં દસેક મહિના પહેલા જેટલી વસ્તી અને વિસ્તાર હતો, એટલો જ આજે પણ છે, છતાં અગાઉ જે કચરા કલેક્શનનું બિલ પ્રતિમાસ અઢી કરોડ રૂપિયા બનતું હતું તે હવે વધીને સીધું 5 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ માત્ર ડોર-טુ-ડોર કચરા ગાડીનો જ ખર્ચ છે. આ ઉપરાંત શહેરમાં 1300 થી વધુ કાયમી અને અવેજી સફાઈ કામદારો, હાઉસ કીપિંગ કોન્ટ્રાક્ટ પેઢીઓ અને 150 થી વધુ ખાનગી સોસાયટીઓને ચૂકવાતો સફાઈ ખર્ચ વગેરે ભેગો કરીએ તો જામનગર મહાનગરપાલિકા માત્ર સ્વચ્છતા પાછળ દર મહિને 10 થી 12 કરોડ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ કરી રહી છે.

આટલો મોટો આર્થિક બોજ હોવા છતાં આજે પણ શહેરના રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળે છે, જે સિસ્ટમ સામે સવાલો ખડા કરે છે. જો કે આ મામલે માત્ર તંત્રને જ દોષ ન આપી શકાય, નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજીને જાહેરમાં કચરો ફેંકવાને બદલે માત્ર કચરા ગાડીમાં જ કચરો નાખવો જોઈએ. પરંતુ સાથે જ મનપાએ પણ એ વાતનું ધ્યાન રાખવું રહ્યું કે જો દર મહિને 12 કરોડ જેવી માતબર રકમ ખર્ચ થતી હોય તો શહેર ચોખ્ખું ચણક કેમ નથી દેખાતું? આ સવાલના જવાબમાં જ હજુ સિસ્ટમની કસરો સુધારવાની બાકી હોવાનું જણાઈ આવે છે.

LATEST ARTICLES