કલ્યાણપુર તાલુકા રેલવે એકશન સમિતિ અને ભાટીયાના અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તાજેતરમાં રેલવે સબંધિત પડતર પ્રશ્નોને લઈને ભાટીયા રેલવે સ્ટેશનના અધિકારીઓ સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. આ ખાસ બેઠકમાં સ્થાનિક પ્રજાને પડતી મુશ્કેલીઓનો અંદાજ આપીને ટ્રેનોની આવન-જાવન અને રેલવે સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કોરોના કાળ દરમિયાન બંધ થયેલી સેવાઓ પૂર્વવત કરવા માટે લાંબા સમયથી સ્થાનિક લોકો દ્વારા માંગ થઈ રહી છે, જેને લઈને આ ડેલિગેશને અધિકારીઓ સમક્ષ ત્વરિત પગલાં ભરવાની માંગ કરી હતી.
આ રજૂઆતમાં મુખ્યત્વે ઓખા-મહેસાણા ફાસ્ટ પેસેન્જર ટ્રેનને પુનઃ શરૂ કરવા અને દ્વારકાથી હરિદ્વાર, શ્રીનાથદ્વારા, રામેશ્વરમ્, પુરી તથા મથુરા જેવા પવિત્ર ધર્મસ્થળોને જોડતી સાપ્તાહિક ટ્રેનોને ભાટીયામાં 1 મિનિટનો સ્ટોપ આપવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત દ્વારકાથી શરૂ થતી નવી એ.સી.ટ્રેનો અને ચર્ચાસ્પદ વંદે ભારત ટ્રેનને પણ ભાટીયા ખાતે સ્ટોપેજ આપવા તથા જામનગર સુધીની ઈન્ટરસિટી ટ્રેનને દ્વારકા સુધી લંબાવીને ભાટીયામાં રોકવા રજૂઆત થઈ હતી. આ બેઠકમાં રેલવે એકશન સમિતિના પ્રમુખ વકીલ ડી.એલ.પરમાર, નિલેષ કાનાણી, વકીલ ત્રિવેદીભાઈ, પૂર્વ સરપંચ હમીર ભાંભી, પૂર્વ ઉપસરપંચ મેઘજીભાઈ પરમાર, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ તેમજ લોક સેવક પ્રિયંકભાઈ, અશ્વિનભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઋતુરાજભાઈ, વસીમભાઈ અને અબ્દુલભાઈ બ્લોચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર ટ્રેનોના સ્ટોપેજ જ નહીં, પરંતુ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કૃષ્ણનગરના ફાટકનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા, હર્ષદ ફાટક ડબલ અંડરબ્રિજ બનાવવા અને કલ્યાણપુર કેનેડી ફાટક પર ઓવરબ્રિજ બનાવવા જેવા અગત્યના મુદ્દાઓ પણ રજૂઆતમાં સામેલ કરાયા હતા. બીજી તરફ સાંસદ પૂનમબેન માડમના વિશેષ પ્રયાસોથી ઓખાથી ડબલ ટ્રેકનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ભાટીયા રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને ઉપસ્થિત તમામ આગેવાનોએ સાંસદનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ તમામ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવશે તેવી સ્થાનિકોને આશા છે.
