વિશ્વ રેબિઝ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના નાઘેડી ગામની કુમાર શાળામાં વિદ્યાર્થીઓમાં હડકવા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી એક વિશેષ અવેરનેસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા હરતા ફરતા પશુ દવાખાનાના પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ શોએબ ખાનના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પશુચિકિત્સકો, ઈએમટી અને પાઇલટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ષની વૈશ્વિક થીમ ''સ્ટ્રોન્ગર ટુગેધર''ને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને હડકવા સામેની લડતમાં જનસહભાગિતાનું મહત્ત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પશુચિકિત્સકો દ્વારા વિદ્યાર્થીઓને હડકવાથી બચવાના ઉપાયો, કૂતરા કે અન્ય પ્રાણીઓ કરડે ત્યારે રાખવાની પ્રાથમિક સાવચેતી, સમયસરની સારવાર અને રસીકરણના મહત્ત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને હડકવા નાબૂદી માટે સૌએ સાથે મળીને કામ કરવાનો સંકલ્પ પણ લીધો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ ઈમરજન્સી હેલ્પલાઈન સેવાઓ જેવી કે ૧૦૮ ઈમરજન્સી સેવા, ૧૯૬૨ પશુ એમ્બ્યુલન્સ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન, ખિલખિલાટ વાહન સેવા અને ૧૧૨ ઓલ-ઈન-વન ઈમરજન્સી સેવાઓની કામગીરી અને ઉપયોગિતા અંગે માર્ગદર્શિત કરાયા હતા. વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક સમજ વધે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને પશુ દવાખાનાની કામગીરીનો પ્રત્યક્ષ ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે એક રસપ્રદ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાચા જવાબો આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કવાયતનો મુખ્ય ઉદ્દેશ નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં હડકવા અંગે વૈજ્ઞાનિક સમજ વિકસાવવાની સાથે પશુ દયા, સામાજિક જવાબદારી અને કટોકટીના સમયે ઉપયોગમાં આવતી ઈમરજન્સી સેવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો, જેથી એક સકારાત્મક સામાજિક સંદેશો વહેતો થઈ શકે.
