જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે સાયબર ફ્રોડ અંગેનો એક ગુન્હો નોંધાયો હતો, જેમાં તપાસ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે રહેતા જશ સમીરભાઈ ભાલોડીયાનું નામ સામે આવ્યું હતું. આ ગુન્હો નોંધાયા બાદથી જ આરોપી પોલીસ પકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી હતી.
આ કેસમાં વોન્ટેડ આરોપી પોતાના વતન મોટી પાનેલી વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસની પેરોલ ફર્લો ટીમને મળી હતી. આ બાતમીના આધારે સક્રિય બનેલી ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મોટી પાનેલી બસ સ્ટેશન પાસેથી શંકાસ્પદ હાલતમાં ફરતા આ આરોપીને સફળતાપૂર્વક દબોચી લીધો હતો.
પકડાયા બાદ પેરોલ ફર્લો ટીમે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને આરોપી જશ સમીરભાઈ ભાલોડીયાનો કબજો સત્તાવાર રીતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. હવે પોલીસ આ શખ્સની વધુ પૂછપરછ કરીને સાયબર ફ્રોડના આ રેકેટમાં તેની સાથે સંડોવાયેલા અન્ય શખ્સો અને તેના ભૂતકાળના ગુનાઓ વિશે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે.
