વર્લ્ડ ફેમસ ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે સોમવારે ભારત સહિત 4 દેશોના કર્મચારીઓ માટે એક વિશેષ વોલેન્ટરી એક્ઝિટ પ્રોગ્રામની જાહેરાત કરી છે. કંપનીના બ્લોગ પોસ્ટ અનુસાર, ભારત, યુએસ, યુકે અને કેનેડામાં નોકરી છોડવા માંગતા પાત્ર કર્મચારીઓને આર્થિક સપોર્ટ અને કરિયર ટ્રાન્ઝિશન રિસોર્સિસ પૂરા પાડવામાં આવશે. માઈક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ પીપલ ઓફિસર એમી કોલમેને જણાવ્યું કે, આ વોલેન્ટરી એક્ઝિટ ઓફર એટલે કે VEO ખાસ કરીને લેવલ 70 અને તેનાથી નીચેના ગ્રેડના કર્મચારીઓ માટે ટાઈમ-લિમિટેડ પહેલ તરીકે લાવવામાં આવી છે, જેથી જે લોકો કંપની બહાર નવી તકો શોધવા માંગે છે તેમને ફ્લેક્સિબિલિટી મળી રહે.
આ વૈશ્વિક સ્કીમ અંતર્ગત આશરે 60,000 કર્મચારીઓ પાત્ર ઠરી શકે છે, જો કે ભારતમાં માઈક્રોસોફ્ટ પાસે અંદાજે 23,000 કર્મચારીઓ છે પરંતુ કેટલા કર્મચારીઓ આના માટે એલિજિબલ હશે તેની સ્પષ્ટતા હજુ બાકી છે. ભારતમાં પાત્ર કર્મચારીઓ પાસે આ ઓફર સ્વીકારવા કે નહીં તે નક્કી કરવા માટે આગામી 1 ડિસેમ્બર સુધીનો સમય છે. આ સેવરન્સ પેકેજ હેઠળ નોકરીના દરેક પૂરા થયેલા વર્ષ માટે 1 મહિનાનો બેઝ સેલરી, હેલ્થ ઇન્શ્યોરન્સ અને કરિયર ટ્રાન્ઝિશન સર્વિસ જેવી સુવિધાઓ આપવામાં આવશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોગ્રામ તમામ ટીમમાં સરખો લાગુ નહીં થાય, પરંતુ બિઝનેસની જરૂરિયાતો અને ગ્રાહકોની પ્રતિબદ્ધતા પર આધાર રાખશે.
એક તરફ આ એક્ઝિટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યારે માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે કંપની ભારતના ટેલેન્ટ અને ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. વર્ષ 2025થી 2029 વચ્ચે ક્લાઉડ અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશમાં 20.5 અબજ USDનું રોકાણ કરવા સાથે કંપની વર્ષ 2030 સુધીમાં ભારતના 20 મિલિયન લોકોને AI સ્કિલ્સથી સજ્જ કરવાના પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. કંપનીનું માનવું છે કે આ નવો અભિગમ કર્મચારીઓને સપોર્ટ સાથે ટ્રાન્ઝિશન કરવામાં મદદ કરશે અને બદલાતી બિઝનેસ જરૂરિયાતો સાથે વર્કફોર્સને પણ અનુકૂળ કરશે.
