સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અભય ઓકાએ રવિવારે થાણેમાં 'ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ અસ' વિષય પર વ્યાખ્યાન આપતા ઇલેક્શન કમિશનરની નિમણૂક પ્રક્રિયાને રાજકીય પ્રભાવથી મુક્ત રાખવા માટે મજબૂત કાયદાકીય માળખાની હિમાયત કરી છે. તેમણે લોકશાહીને જીવંત રાખવા માટે સ્વતંત્ર સંસ્થાઓના હોવું અનિવાર્ય ગણાવતા સવાલો ઉઠાવ્યા હતા કે જો જ્ઞાનેશ કુમાર જેવા ઇલેક્શન કમિશનરને પદ પરથી હટાવવાની નોબત આવે તો શું સેફગાર્ડ્સ છે? પૂર્વ જજે પીએમ લાલકૃષ્ણ અડવાણીના લગભગ 14 વર્ષ જૂના પ્રસ્તાવનો હવાલો આપતા જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરની પસંદગી માટે એક કલેજિયમ સિસ્ટમ હોવી જોઈએ, જેમાં પ્રાઇમ મિનિસ્ટર, લો મિનિસ્ટર, લોકસભા અને રાજ્યસભાના લીડર ઓફ ધ ઓપપોઝિશન તેમજ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થવો જોઈએ જેથી સિલેક્શન પ્રોસેસ એકદમ પારદર્શક અને સ્વતંત્ર રહે.
આ કાર્યક્રમમાં જસ્ટિસ ઓકાએ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની સાથે વાણી સ્વાતંત્ર્યને પણ લોકશાહીનો મુખ્ય પાયો ગણાવ્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે દેશમાં કોઈપણ મતભેદ કે અસંમતિનો ઉકેલ હિંસાથી નહીં પરંતુ સાર્થક ચર્ચા અને ડિબેટથી જ આવવો જોઈએ. આ ઉપરાંત તેમણે થાણે અને મુંબઈ જેવા શહેરોમાં અનિયંત્રિત પર્યાવરણીય શોષણને લઈને પણ આકરી ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા 1 दशकમાં પ્રોજેક્ટ્સના નામે થાણેમાં હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાના કારણે આજે આ શહેરોનું તાપમાન વધીને 38થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેની ગંભીર અસરો નાગરિકો ભોગવી રહ્યા છે. તેમણે રાજકીય નેતાઓમાં પર્યાવરણીય સંવેદનશીલતાના અભાવ પર દુઃખ વ્યક્ત કરતા વૈજ્ઞાનિક અભિગમની પણ જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પોતાના વક્તવ્યના અંતે તેમણે થાણેમાં પ્રસ્તાવિત સર્ક્યુલર મેટ્રો પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જનતાને મોટા પબ્લિક ફંડના ખર્ચ પર સવાલ પૂછવાનો પૂરો અધિકાર છે. તેમણે અચાનક એવો પણ મુદ્દો છેડ્યો હતો કે મેટ્રો કોરિડોર માટે ફાળવવામાં આવેલા ₹12,000 કરોડના તોતિંગ ફંડનો ઉપયોગ રોડ ઓપ્ટિમાઇઝેશન અને થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ફ્લીટના વ્યાપક વિસ્તાર જેવા વધુ સારા વિકલ્પો માટે થઈ શકે કે નહીં તે અંગે વિચારવું જોઈએ. લોકશાહીને જીવંત રાખવા માટે નાગરિકો વચ્ચે સક્રિય નાગરિક સંવાદ અને પર્યાવરણનું રક્ષણ કરવું એ સમયની તાતી જરૂરિયાત છે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.
