દિલ્હીના રાજકારણમાં આગામી દિવસોમાં ગરમાવો જોવા મળી શકે છે કારણ કે કોંગ્રેસ પક્ષે 'વોટ ચોરી' ના વિરોધમાં આગામી 1 નવેમ્બરના રોજ દિલ્હીમાં એક વિશાળ રેલીનું એલાન કર્યું છે. આ રેલીમાં આશરે 10 લાખ લોકોને એકઠા કરવાનો મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના આ આક્રમક તેવરથી રાજકીય માહોલ ગરમાયો છે અને વિરોધ પક્ષો દ્વારા સરકારને ઘેરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ મુદ્દે શિમલા ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ કેન્દ્ર સરકાર અને ઇલેક્શન કમિશન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરી છે અને તેમની સામે કડક એક્શન લેવાની સાથે તેમના દ્વારા લેવાયેલા તમામ નિર્ણયો રદ કરવાની પણ માંગ દોહરાવી છે. લાંબાએ એસઆઈઆર પ્રક્રિયા તાત્કાલિક ધોરણે અટકાવવાની વાત પણ સ્પષ્ટ શબ્દોમાં કહી હતી.
ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે હવે ફરી એકવાર જૂની પદ્ધતિ તરફ વળવાની માંગ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં અલ્કા લાંબાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ હટાવીને ફરીથી બેલેટ પેપરથી જ મતદાન પ્રક્રિયા શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. આગામી 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારું આ શક્તિ પ્રદર્શન દેશભરના રાજકારણમાં મોટો વળાંક લાવશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ હાલ તો કોંગ્રેસે આ મુદ્દે આરપારની લડાઈના એંધાણ આપી દીધા છે.
