જો તમે પણ ગાડી લઈને લુટિયન્સ દિલ્હી તરફ જવાનું વિચારતા હોવ તો હવે ખિસ્સા સાચવવાની તૈયારી રાખજો. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગના ભાવમાં જબરદસ્ત વધારો કરવાની તૈયારી ચાલી રહી છે. સામાન્ય જનતા પર આર્થિક બોજ વધવાની સાથેસાથે પાર્કિંગ વ્યવસ્થાને એકદમ હાઈટેક બનાવવાનો પ્લાન પણ તૈયાર થઈ ગયો છે, જેથી લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળી શકાય.
આ નવા પ્રસ્તાવ મુજબ, ઓન-સ્ટ્રીટ અને ઓફ-સ્ટ્રીટ પાર્કિંગના રેટ્સ તો વધવાના જ છે, સાથે જ કાર અને ટુ-વ્હીલરના મંથલી પાસના રેટ્સમાં પણ મોટો ઉછાળો જોવા મળશે. સામાન્ય રીતે લોકો પાર્કિંગમાં છૂટા પૈસા કે કેશ આપવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ આ નવા નિયમ આવ્યા પછી કેશ આપવું ભારે પડી જશે. જો કોઈ વાહનચાલક પાર્કિંગ ફી કેશમાં ચૂકવશે, તો તેણે નિયત ફી પર સીધો ૧૦૦ ટકા સરચાર્જ એટલે કે ડબલ પૈસા ચૂકવવા પડશે.
તંત્રનો સીધો હેતુ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે મજબૂર કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે પાર્કિંગ લોટ્સને અપગ્રેડ કરીને એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે, જેથી ડિજિટલ પેમેન્ટ એકદમ સરળ અને ઝડપી બની શકે. ટૂંક સમયમાં જ આ પ્રસ્તાવ અમલમાં આવે તેવી સંભાવના છે, જેથી વાહનચાલકોએ હવે દિલ્હીમાં ગાડી પાર્ક કરતા પહેલા ખર્ચનો હિસાબ અગાઉથી જ લગાવવો પડશે.
