જામનગર પંથકમાંથી એક ખૂબ જ પ્રેરણાદાયક અને દિલને સ્પર્શી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. હાથમાં તિરંગો રાષ્ટ્રધ્વજ અને મનમાં અડગ શ્રદ્ધા સાથે બિહારના પટણાથી શરૂ થયેલી એક અનોખી સ્કેટીંગ યાત્રા હવે પૂરી થવા જઈ રહી છે. સોનુ યાદવ નામના આ યુવાને દેશભક્તિની એક અનોખી મિસાલ કાયમ કરી છે, જેણે પોતાના સફરના 433 દિવસ પૂરા કરી લીધા છે અને આ લાંબી મંજિલ કાપીને તે સોયલ ટોલ નાકે આવી પહોંચ્યો હતો.
આટલા બધા દિવસો સુધી સતત સ્કેટીંગ કરીને સફર કરવી એ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ સોનુના ઇરાદા મજબૂત હતા એટલે જ તે તડકો, વરસાદ કે ઠંડીની પરવા કર્યા વગર આગળ વધતો જ રહ્યો. જ્યારે તે સોયલ ટોલ નાકે પહોંચ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પણ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આટલી લાંબી કઠિન સફર પછી પણ તેના ચહેરા પરનો ઉત્સાહ અને દેશ માટેનો પ્રેમ સાફ જોવા મળતો હતો.
સોયલ ટોલ નાકાથી હવે આ યુવાન પોતાની યાત્રાના અંતિમ પડાવ એટલે કે જગતમંદિર દ્વારકા તરફ રવાના થઈ ગયો છે. દ્વારકા પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેની આ પવિત્ર સ્કેટીંગ યાત્રાનું ભવ્ય સમાપન થશે. પટણાથી શરૂ થયેલી આ હજારો કિલોમીટરની સફર હવે પૂરી થવાની છે ત્યારે આ સાહસિક યુવાનની ધગશ ખરેખર યુવા પેઢી માટે એક મોટી પ્રેરણા બની ગઈ છે.
