આપણી આદતો અને આપણી આસપાસની ચીજવસ્તુઓ આપણા જીવન પર સીધી અસર કરતી હોય છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે આપણે કઈ વસ્તુઓ સાથે રાખીએ છીએ કે ક્યાં મૂકીએ છીએ, તેનું વાસ્તુશાસ્ત્રમાં બહુ મોટું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે જેમને સૂતી વખતે પથારીમાં કે ઓશીકા નીચે કંઈને કંઈ ચીજો ખડકી દેવાની ટેવ હોય છે. ક્યારેક આળસમાં તો ક્યારેક અજાણતા આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ જે આપણી પ્રગતિને રોકી શકે છે. તો ચાલો આજે જાણી લઈએ કે વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ કઈ કઈ વસ્તુઓ ભૂલથી પણ ઓશીકા નીચે ન રાખવી જોઈએ.
સૌથી પહેલી વાત કરીએ પાકીટની, તો ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પોતાનું પાકીટ ઓશીકા નીચે જ રાખવાની જૂની ટેવ હોય છે. પણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવું ક્યારેય ન કરવું જોઈએ. ઓશીકા નીચે પાકીટ રાખવાથી તમારી આર્થિક સ્થિતિ પર સીધી નકારાત્મક અસર પડે છે અને બરકત ઘટી જાય છે. આ ઉપરાંત, ઘર, ગાડી કે તિજોરીની ચાવીઓ પણ ક્યારેય ઓશીકા નીચે ન મૂકવી જોઈએ. આને બહુ અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં અકારણ તણાવ વધે છે અને તમારા મહત્વના કામોમાં અચાનક અડચણો ઊભી થવા લાગે છે.
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે અને પછી ફોનને સીધો ઓશીકા નીચે કે માથા પાસે મૂકીને સૂઈ જાય છે. આ ટેવ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ વાસ્તુની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખરાબ છે, કારણ કે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ઓછી થઈ જાય છે. વળી, ઘડિયાળ ઉતારીને ઓશીકા નીચે મૂકવાની આદત પણ તમારા મનની શાંતિ છીનવી શકે છે, જેનાથી રાત્રે ઊંઘ ન આવવી કે અશાંતિ રહેવા જેવી સમસ્યાઓ નડે છે.
આટલું જ નહીં, રાત્રે વાંચતા-વાંચતા પુસ્તક ઓશીકા નીચે મૂકી દેવાની કે પછી જૂના બિલ અને કાગળિયાં ત્યાં જ દબાવી રાખવાની આદત પણ તાત્કાલિક છોડી દેવી જોઈએ. પુસ્તકોમાં માતા સરસ્વતીનો વાસ હોવાથી તેને પથારીમાં નીચે રાખવા યોગ્ય નથી, તેનાથી ભણતર કે કામ પર ફોકસ ઘટવા લાગે છે. જ્યારે જૂના બિલ ઓશીકા નીચે રાખવાથી માણસ સતત આર્થિક ચિંતાઓથી ઘેરાયેલો રહે છે. જો તમારી પાસે પણ આવી કોઈ ચીજો હોય, તો આજથી જ આ આદત બદલી નાખો જેથી જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે.
