નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે હવે એક નવું અને અદભુત નજરાણું તૈયાર થઈ ગયું છે. પ્રવાસીઓ હવે કોઈપણ સિઝનમાં અસલી વરસાદની મજા માણી શકે તે માટે અહીં 12 કરોડના ખર્ચે 11 એકર વિસ્તારમાં વિશાળ રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આ ભવ્ય પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ નવા પ્રોજેક્ટના ઉમેરાથી એકતાનગરની મુલાકાતે આવતા લાખો ટૂરિસ્ટ્સનો ઉત્સાહ બેવડાઈ જશે અને પ્રવાસન સુવિધાઓમાં પણ મોટો વધારો થશે.
આ નવા પ્રોજેક્ટની ખાસિયતોની વાત કરીએ તો, અહીં રેન ગનના 20 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા છે, જેના દ્વારા પ્રવાસીઓને આખું વર્ષ કુદરતી વરસાદ જેવો જ અનોખો અનુભવ મળશે. આ સિવાય બબલ ફાઉન્ટન, સુંદર વોટરફોલ અને દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લાવવામાં આવેલા વિવિધ પ્રકારના અદભુત વૃક્ષો પણ અહીં આવનારા લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. આટલું જ નહીં, આ પ્રોજેક્ટનું સૌથી મોટું અને રોમાંચક આકર્ષણ એટલે કે સ્કાય ગ્લાસ વોકવે છે, જેની ડિઝાઇન ખરેખર જોવા જેવી છે. આ ગોળાકાર વોકવે પર ચાલતી વખતે પ્રવાસીઓને હીલિંગ અને એડવેન્ચર બંનેનો અનોખો અનુભવ થશે.
ખાસ કરીને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ અદ્ભુત છે કારણ કે આ ગ્લાસ વોકવેમાં 35 મિલીમીટરની જાડાઈ ધરાવતા 132 કોરિયન ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની ખાસ ડિઝાઇન અને ગ્લાસ વર્ક ધરાવતો આ ભારતનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો પ્રથમ પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનેલી 597 ફૂટ ઊંચી અને બેઝ સાથે મળીને કુલ 790 ફૂટ ઊંચી આ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત પ્રતિમા પહેલેથી જ વૈશ્વિક નકશા પર છવાયેલી છે, અને હવે આ નવા રેન ફોરેસ્ટ પ્રોજેક્ટના કારણે પ્રવાસીઓ હરિયાળી, વરસાદ અને રોમાંચનો એકસાથે ત્રિવેણી સંગમ માણી શકશે.
